વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૬ ની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમરેલી નગરપાલિકાના પદાધિકારીશ્રીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ દ્વારા એક વિશેષ એક્સપોઝર વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (SBM) યોજના હેઠળ શહેરમાં ચાલી રહેલા વિવિધ પર્યાવરણલક્ષી અને સ્વચ્છતાના વિકાસ કાર્યોનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ એક્સપોઝર વિઝીટ દરમિયાન નગરપાલિકાની ટીમ દ્વારા એસ.ટી.પી. પ્લાન્ટ (STP Plant), ડમ્પસાઇટ તેમજ મટીરીયલ રિકવરી ફેસિલિટી (MRF) સેન્ટરની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન સ્થળ પર ચાલી રહેલી પ્રક્રિયાઓની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી હતી અને વિવિધ પ્રોજેક્ટોની વર્તમાન પ્રગતિ અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા જાળવણીને પ્રાધાન્ય આપતા પદાધિકારીશ્રીઓ દ્વારા ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી વધુ ગુણવત્તાયુક્ત, અસરકારક અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો અને રચનાત્મક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સાથે જ વૈજ્ઞાનિક ઢબે ઘન કચરાના વ્યવસ્થાપનને વધુ સશક્ત અને આધુનિક બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ પ્રકારની એક્સપોઝર વિઝીટ પ્રગતિ હેઠળના કાર્યોની ગુણવત્તા અને ઝડપનું મૂલ્યાંકન કરવામાં અત્યંત મદદરૂપ સાબિત થાય છે, જેનાથી આગામી સમયમાં ‘સ્વચ્છ, સુંદર અને હરિત અમરેલી’ ના નિર્માણ માટે વધુ સચોટ અને અસરકારક આયોજન કરી શકાશે.


















Recent Comments