પાર્ટ 1 માં Gen Z ના રાજકારણીઓ સામેના આક્રોશના કારણો વિશે વિગતવાર ચર્ચા કરી. યુવાનોના શિક્ષણ અને રોજગારીને સીધા જ સ્પર્શતી કેટલાક મુદ્દાઓએ અને તાજેતરમાં બનેલી કેટલીક ઘટનાઓએ લાંબા સમયથી ધૂંધવાતા આ આક્રોશમાં ચિનગારી ચાંપવાનું કામ કર્યું ! ભણે પણ ભણવાનું પરવડે તો ! આપણે દરેક બાળકને એક જ સલાહ આપીએ છીએ ભણ, મહેનત કર, આગળ વધ.
પણ પછી એ જ બાળક જ્યારે પ્રખ્યાત શાળા. સારી કોલેજ, વ્યાવસાયિક અભ્યાસક્રમ કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીનો ખર્ચ જુએ છે ત્યારે હતપ્રભ અને હતાશ થઇ જાય છે. શિક્ષણ જો સામાજિક પ્રગતિની સીડી છે, તો એ સીડીના પગથિયા જ એટલા મોંઘા ન હોવા જોઈએ કે જે સામાન્ય પરિવારનું બાળક ચડી ન શકે. Gen Z કોઈ મફત ભવિષ્ય નથી માગતી.
તે વાજબી કિંમતમાં સારી તક માગે છે. અને મહેનત કર્યા પછી પેપર ફૂટી જાય વિદ્યાર્થી વર્ષો તૈયારી કરે. પરિવાર પૈસા ખર્ચે, વિદ્યાર્થી રાતોની રાતો જાગે.
અને પછી એક સવારે સમાચાર આવે: પેપર લીક થયું.
પરીક્ષા રદ ફરી પરીક્ષા લેવાશે. વહીવટી ભાષામાં સમસ્યાનો ઉકેલ આવી ગયો.પણ વિદ્યાર્થીની જિંદગી કોઈ સરકારી ફાઇલ નથી કે નવી તારીખ લખીને જૂનો સમય પાછો મેળવી શકાય. તેના વર્ષો કોણ પરત કરશે ? તેના પરિવારે કરેલ ખર્ચ ? તેની માનસિક મહેનત ?
અને સૌથી મોટું નુકસાન—વ્યવસ્થા પરનો વિશ્વાસ ?
પેપર લીક માત્ર પ્રશ્નપત્રનું લીકેજ નથી, તે યુવાનના વિશ્વાસનું લીકેજ છે.રાજ્ય વિદ્યાર્થીને ઓછામાં ઓછી એટલી ખાતરી તો આપી શકે કે, “તું મહેનત કર; તારી મહેનતની ચોરી નહીં થવા દઈએ”આ ખાતરી પણ ન આપી શકાય તો મેરિટ વિશેનાં ભાષણો ખોખલાં લાગે છે. ડિગ્રી મેળવી પણ પછી શું ? બાળપણમાં કહ્યું – ભણૌ કોલેજમાં કહ્યું—ડિગ્રી લો. પછી કહ્યું—માત્ર ડિગ્રી નહીં, સ્કિલ જોઈએ. સ્કિલ મેળવી તો કહ્યું—અનુભવ જોઈએ. પણ યુવાનનો સવાલ તો હજુ ત્યાંનો ત્યાં જ છે, નોકરી ક્યાં છે ?લાયકાતને અનુરૂપ કામ.આગળ વધવાની તક.અને મહેનતને અનુરૂપ સન્માનજનક આવક ક્યાં ? શિક્ષિત યુવાન વર્ષો સુધી બેરોજગાર રહે અથવા પોતાની લાયકાતથી ઘણું નીચું કામ કરવા મજબૂર બને ત્યારે બેરોજગારી માત્ર સરકારના આંકડાની એક ટકાવારી નથી રહેતી. તે ઘર અને પરિવારમાં સતત અનુભવાતી નિરાશા બને છે, અને ધીમે ધીમે એ નિરાશા વ્યવસ્થા સામેના અવિશ્વાસમાં ફેરવાય છે.રાજકીય વિચારધારા જરૂરી હશે, પણ રોજિંદા જીવનની સમસ્યાઓથી વધારે જરુરી નથી ! ભારતનું રાજકારણ જાતિ, ધર્મ, પ્રદેશ, ભાષા અને વિચારધારાથી અલગ થઈ જશે એવી કલ્પના કરવી નકામી છે. Gen Z પણ આ સમાજનો જ ભાગ છે એટલે એ પણ એનાથી સંપૂર્ણપણે અલિપ્ત રહી ના શકે, પરંતુ તેની પાસે કેટલાક બીજા સવાલો પણ છે.મારા શહેરના રસ્તા કેવા છે ?
મારી પરીક્ષા નિષ્પક્ષ છે ? ડિગ્રી પછી મને રોજગાર મળશે ? મારા પરિવાર પાસેથી લેવાતા ટેક્સ સામે મળતી જાહેર સેવા કેવી છે ?કમનસીબે આ પ્રશ્નોના સંતોષકારક જવાબ તેને ક્યાંયથી મળતો નથી.
સૌથી મોટું હથિયાર તેના ખિસ્સામાં છે. Gen Zની શક્તિ સમજવી હોય તો તેના હાથમાં રહેલા ફોનને જુઓ.એ ફોન કેમેરા પણ છે, અખબાર પણ છે, પ્રસારણ કેન્દ્ર છે અને ક્યારેક સત્તાને પૂછાતો સવાલ પણ છે.ખાડો છે—ફોટો આવશે. ગેરરીતિ છે—વીડિયો આવશે. જૂનું વચન છે—ક્લિપ બહાર આવશે.
દાવો છે—ફેક્ટ-ચેક થશે. સત્તા પાસે માઇક છે તો યુવાનો અને નાગરિકો પાસે હવે કેમેરો છે અને આ નાનકડા પરિવર્તને રાજકારણ અને નાગરિક વચ્ચેનો સંબંધ બદલી નાખ્યો છે.Gen Zને નવા મસીહા નહીં, નવી વ્યવસ્થા જોઈએ છે
આ સમગ્ર અસંતોષને કોઈ એક પક્ષ, એક સરકાર કે એક નેતા સામેના ગુસ્સામાં સમેટી દેવો સરળ છે, પણ તે ખરી હકીકત નથી.આ સવાલ દરેક પક્ષને છે.
સત્તામાં બેઠેલાને પણ. વિપક્ષમાં બેઠેલાને પણ, આજના નેતાને પણ. કાલે સત્તામાં આવવાની આશા રાખતા નેતાને પણ. Gen Zની માગ બહુ ક્રાંતિકારી નથી.તેને જોઈએ છે—વચનમાં પ્રામાણિકતા. શાસનમાં કાર્યક્ષમતા. તકોમાં ન્યાય અને સત્તામાં જવાબદારી.
સરકાર દરેક સમસ્યા ઉકેલી શકે એવી અપેક્ષા અવાસ્તવિક છે. દરેક વચન સમયસર પૂરું થાય એ પણ શક્ય નથી. પરંતુ શું કર્યું, શું ન થયું અને કેમ ન થયું—એનો પ્રામાણિક હિસાબ તો આપી શકાય.કદાચ નવી પેઢી અને જૂના રાજકારણ વચ્ચેનો સૌથી મોટો તફાવત અહીં જ છે. રાજકારણ હજુ પણ પૂછે છે, અમારી વાત તમને ગમી?”Gen Z કદાચ સામે પૂછે છે, વાત તો સાંભળી. હવે કામ બતાવો.”અને આવનારા વર્ષોના રાજકારણ માટે કદાચ આ જ સૌથી મોટો સંદેશ છે ”ભાષણ પૂરું થયું. હવે હિસાબ આપો.”
Inb


















Recent Comments