ગુજરાત

૪૫ વર્ષથી વધુની વયના વ્યક્તિઓને આધારકાર્ડ વગર પણ રસી અપાશે

હાલ રાજ્યમાં ૬૦ વર્ષથી ઉપરના અને ૪૫ વર્ષથી ઉપરના એ લોકો કે જેમને ગંભીર બીમારીઓ છે તે લોકો માટે કોરોના રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધી રાજ્યમાં અનેક લોકો રસી મુકાવી ચૂક્યા છે. તેવામાં રસીકરણ માટે આધારકાર્ડ સહિતના પુરાવા હોવા જરૂરી છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રસીકરણને લઈને એક મોટો ર્નિણય કર્યો છે. હવે ભિક્ષુક ગૃહ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગ સંસ્થાઓમાં રહેતાં ૬૦ વર્ષથી વધુનાં અને ૪૫ વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ બીમારીઓ ધરાવતાં લોકોને આધારકાર્ડ વગર જ રસી આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ર્નિણય લીધો છે કે રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતાં ૪૫ વર્ષથી વધુની વયના અને કોમોર્બીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-૧૯ રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા ૬૦ વર્ષથી વધુની વયના વયસ્ક વડીલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો ર્નિણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણથી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ ર્નિણય કર્યો છે. અત્યાર સુધી ૩૨ લાખ ૭૪ હજાર ૪૯૩ લોકોને પ્રથમ ડોઝ અને ૬ લાખ ૩ હજાર ૬૯૩ લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને ૩૮ લાખ ૭૮ હજાર ૧૮૬નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં ૬૦ વર્ષથી વધુ તેમજ ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના ગંભીર બીમારી ધરાવતા કુલ ૨ લાખ ૨૨ હજાર ૧૮૬ વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે.

Follow Me:

Related Posts