વિજ્ઞાન શાસ્ત્ર આપણાં દેશનું જ છે, ભાષા બદલાતા અઘરું લાગ્યું – કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે‘ વિજ્ઞાન સપ્તાહ સમાપન
લોકભારતી સણોસરામાં લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે યોજાયેલ ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહના સમાપન પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિજ્ઞાન શાસ્ત્ર આપણાં દેશનું જ છે, જે માત્ર ભાષા બદલાતા અઘરું લાગ્યું છે.
રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસંગે દેશના વિવિધ ૭૫ સ્થાનો પૈકી ગુજરાતમાં વડોદરા, અમદાવાદ અને સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ ઉજવાયા છે, જેમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા સ્થિત લોકવિજ્ઞાન કેન્દ્રમાં આજે સમાપન કાર્યક્રમ યોજાઈ ગયો.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ આજના ઉદબોધનમાં કહ્યું કે, વિજ્ઞાન શાસ્ત્ર આપણાં દેશનું જ છે. આપણી પરંપરા સાથે આ શાસ્ત્ર વણાયેલું છે, પરંતુ તેની ભાષા બદલાતા તે અઘરું લાગ્યું છે. તેઓએ વિજ્ઞાન ઉદ્દભવના ત્રણ પાસાઓ ગણાવતાં જણાવ્યું કે, કોઈ પણ સમસ્યા થતા તેને ઉકેલ માટે, જ્યારે સ્પર્ધા આવે તે જીતવા તેમજ કોઈ પ્રશ્ન ઉભો થાય તેના જવાબ મેળવવાની પ્રક્રિયા વિજ્ઞાન બને છે. તેઓએ કેન્દ્ર સરકારના આરોગ્ય, શિક્ષણ તથા સર્વાંગી વિકાસના અભિગમનો ઉલ્લેખ કરી લોકભારતીના કાર્યને બિરદાવ્યું હતું.
આ પ્રસંગે ઈફકો અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીએ વિજ્ઞાન સપ્તાહની ઉજવણીને બિરદાવી કહ્યું કે લોકસભામાં વિચારો વ્યક્ત થતા હોય છે, જયારે લોકભારતીમાં વિચારો ઉગાડવામાં આવે છે જે સાર્થકતા છે. કૃષિ સાથે જીવન શિક્ષણની લોકભારતીની પ્રવૃત્તિને સિદ્ધ મંદિરની પ્રવૃત્તિ ગણાવી.
આ પ્રસંગે પીડીલાઈટ ઉદ્યોગના ગ્રામવિકાસ વિભાગના વડા શ્રી પંકજભાઈ શુક્લએ કોરોના બિમારી સાથે આરોગ્ય પ્રધાનની કામગીરી યશસ્વી ગણાવી પીડીલાઈટ ઉદ્યોગ દ્વારા ગ્રામવિકાસ સાથે રાજ્ય સરકાર સાથે કેટલાક શૈક્ષણિક કાર્યો બાબત થયેલા સમજૂતી કરારોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લોકભારતી સાથે ભાવનગર જિલ્લાના કામોની સફળતા વર્ણવી હતી.
ભાવનગર જિલ્લામાં ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ ઉત્સવ સપ્તાહના આયોજનમાં રહેલ લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેએ આ ઉપક્રમમાં જોડાયેલ વિદ્યાર્થીઓ, કાર્યકરો, શાળાઓ, સંસ્થાઓ વગેરેનો ઉલ્લેખ કરી વિજ્ઞાનને સમજવા સાથે રોજિંદા જીવનમાં જીવવા પર ભાર મુક્યો. તેઓએ આજના ઉપસ્થિત મહેમાનો સંસ્થાના જ કાયમી ભાગ રહ્યાની લાગણી વ્યક્ત કરી હતી.
આ સમાપન પ્રસંગની આભારવિધિ શ્રી રામચંદ્રભાઈ પંચોળીએ કરી હતી.
વિજ્ઞાન સપ્તાહ સમાપન કાર્યક્રમનું સંચાલન કરતા શ્રી વિશાલભાઈ જોષીએ આ ઉપક્રમમાં લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધાની આંકડાકીય વિગતો પણ આપી હતી.
અહીં સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમૂરારી સાથે શ્રી વિશાલભાઈ ભાદાણી, શ્રી અર્ચનાબેન દવે, શ્રી ભાવનાબેન પાઠક, શ્રી પાર્થેશભાઈ પંડ્યા અને કાર્યકરો તથા વિદ્યાર્થીઓ દ્વારા પ્રશસ્ય સંકલન રહ્યું.
Recent Comments