નથી દ્રષ્ટિ ભલે આંખે,
છતાં સ્મિત રેલાયું છે,
ખુશીનું એક નવું ઉપવન,
હવે અહીં સર્જાયું છે.
સ્મરણની સુવાસ ફેલાવી
‘વિલાસ’ બનીને દુનિયામાં,
સેવા કાજે શેલડીયા કુળનું,
નામ જગમાં ગવાયું છે.
–“પાંધી સર”
માનવતા અને સેવાના સંગમ સમાન એક પ્રેરણાદાયી પ્રસંગ ગત તારીખ ૧૭/૦૩/૨૦૨૬ના રોજ થોરડી સ્થિત ‘શ્રી નિવાસી અંધ વિદ્યાલય’ ખાતે યોજાયો હતો. ગામના વતની અને હાલ સુરત સ્થિત શ્રી ગોરધનભાઈ વાલજીભાઈ શેલડીયાના પુત્રો અતુલભાઈ અને અભીભાઈએ પોતાની વ્હાલસોયી બહેન સ્વ. વિલાસબેન (ચકુબેન)ની ૧૨મી પુણ્યતિથિની અનોખી રીતે ઉજવણી કરી હતી.
દ્રષ્ટિહીન બાળકોના જીવનમાં ખુશીઓના રંગ પૂરવા માટે શેલડીયા પરિવાર દ્વારા રૂ. ૧ લાખના ખર્ચે ‘વિલાસ બાલવાટિકા’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં લસરપટ્ટી, હીંચકા અને ઊંચક-નીચક (સી-સો) જેવી વિવિધ રાઈડ્સ મૂકવામાં આવી છે, જેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે શેલડીયા પરિવાર ખાસ સુરતથી ઉપસ્થિત રહ્યો હતો.
આ કાર્યક્રમમાં લોક સેવક સંઘના ટ્રસ્ટી પૂજ્ય કાંતિદાદા, ગામના સરપંચશ્રી તથા અન્ય પ્રતિષ્ઠિત આગેવાનો હાજર રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સ્વ. વિલાસબેનના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ અવસરે પરિવાર તરફથી બાળકોને સાંજનું મિષ્ટ ભોજન અને રાત્રે કેન્ડી (આઈસ્ક્રીમ) આપવામાં આવી હતી.
સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરાયો
વિદ્યાલયના સ્ટાફ અને બાળકોએ ઉત્સાહપૂર્વક બાલવાટિકાને શણગારીને ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી નિવાસી અંધ વિદ્યાલય પરિવારે શેલડીયા પરિવારની આ ઉદારતા અને સેવાકીય ભાવના બદલ અંતઃપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
















Recent Comments