વડોદરામાં દાયણના ઘરના દરવાજે યુવતીની ડિલિવરી થઈ ગઈ હોવાનો ઘટસ્ફોટ, CCTV સામે આવ્યા
વડોદરામાં નિકાહ પૂર્વે બાળકને જન્મ આપી ત્યજી દેવાના ચકચારી પ્રકરણમાં યુવતીએ દાયણના મકાનના દરવાજા ઉપર બાળકને જન્મ આપી દીધો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ દરમિયાન દાયણના કહેવાથી પ્રસૂતાને તેનો મંગેતર ઓટો રિક્ષામાં સયાજી હોસ્પિટલ લઇ ગયો હતો. ઘરેથી ગર્ભવતી મંગેતરને દાયણના ઘરે પ્રસૂતિ માટે જે ઓટો રિક્ષામાં લઇ ગયો હતો તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જાેકે, પોલીસે ત્યજી દેવાયેલા બાળક અને તેના જન્મદાતાના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે મોકલી આપ્યા છે. હાલ માતા અને બાળક હોસ્પિટલમાં છે.
ડી.એન.એ.નો રિપોર્ટ આવ્યા બાદ બાળકને તેના જન્મદાતાને સોંપવામાં આવશે. બીજી બાજુ બાળકના જન્મદાતા મંગેતર યુગલના બે દિવસ બાદ નિકાહ થશે કે, કેમ તે એક સવાલ છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, કારેલીબાગ પોલીસ સ્ટેશનની શી ટીમને પોલીસ કંટ્રોલ તરફથી વર્ધી મળી હતી કે, કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાન પાસે કચરામાં એક નવજાત બાળક છે. જેથી શી ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઇ. રેખાબહેન કહાર તેમજ કારેલીબાગ પોલીસ મથકના પી.એસ.આઇ. એસ.ડી. ચૌધરી સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી ગયાં હતાં અને કચરામાં પડેલા નવજાત બાળકનો કબજાે મેળવ્યો હતો.
ત્યાર બાદ ૧૦૮ એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ હોસ્પિટલના તબીબોના માર્ગદર્શન હેઠળ સયાજી હોસ્પિટલ સ્થિત રુક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં સુપરત કર્યું હતું. સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ ઘટના અંગે તપાસ કરી રહેલા કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું કે, મચ્છીપીઠ વિસ્તારમાં એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ મકાનમાં રહેતા યુવાન અને યુવતીની ત્રણ વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. સગાઈ દરમિયાન યુવાન-યુવતી વચ્ચે શારીરીક સંબંધ બંધાયા હતા.
જેમાં યુવતી ગર્ભવતી બની ગઇ હતી. ગર્ભવતી યુવતી અને તેના મંગેતરે આ વાત પોતાના પરિવારથી છૂપાવી હતી. આ દરમિયાન લગ્નના બે દિવસ પહેલાં જ યુવતીને પ્રસૂતિની પીડા ઉપડતાં મંગેતર તેને ઓટો રિક્ષામાં તુલસીવાડીમાં રહેતી એક દાયણના ઘરે પ્રસૂતિ કરાવવા માટે લઈ ગયો હતો. પરંતુ, યુવતી દાયણના ઘરમાં પ્રવેશ કરે તે પહેલાં જ પ્રસૂતાએ દાયણની ડેલી ઉપર બાળકનો જન્મ આપી દીધો હતો. દરમિયાન, દાયણે પ્રસૂતાને લઇને આવેલા યુવાનને બાળક અને યુવતીને હોસ્પિટલમાં લઈ જવા માટે જણાવ્યું હતું. યુવાન તુરંત જ પોતાની મંગેતરને લઈને સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં મંગેતરને દાખલ કરી નવજાત બાળકને લઈને બહુચરાજી સ્મશાન રોડ ઉપર આવી ગયો હતો અને એક બંધ કારની પાછળ પડેલા કચરામાં બાળકને ફેંકી જતો રહ્યો હતો. દરમિયાન પોલીસે આ બાળકને ત્યજી દેનાર યુવાનની ઓળખ કરી તેની ધરપકડ કરી લીધી હતી.
તે સાથે યુગલના પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને બાળકને જન્મ આપનાર યુવતી અને તેનો મંગેતર પરિવારના હોવાની કબૂલાત કરી હતી.જાેકે, બાળક જન્મ લેતાની સાથે જ કાયદાની આંટીઘૂંટીમાં આવી જતાં પોલીસે ખરેખર કચરામાંથી મળી આવેલું બાળક મચ્છીપીઠના યુગલનું જ છે કે કેમ તે જાણવા માટે ડી.એન.એ. ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બાળક તથા તેના કહેવાતા બાળકના જન્મદાતાના સેમ્પલો મેળવી ડી.એન.એ. ટેસ્ટ માટે સુરત મોકલી આપ્યા હતા. ડી.એન.એ. ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ બાળક તેના જન્મદાતાને સોંપવામાં આવશે. તેમ કારેલીબાગના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું. હાલ બાળક અને તેની માતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીજી બાજુ પ્રસૂતાને લઇ જતી ઓટો રિક્ષાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ફૂટેજ અંગે કારેલીબાગ પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં એવી માહિતી બહાર આવી છે કે, યુવાન તેની સગર્ભા મંગેતરને પોતાના ઘરેથી ડિલિવરી કરાવવા લઈ જઈ રહ્યો છે. જાેકે, યુવાન તેની સગર્ભા મંગેતરને ડિલિવરી માટે હોસ્પિટલ જવાના બદલે તુલસીવાડીમાં દાયણના ઘરે ગયો હતો. પરંતુ, દાયણના ઘરના દરવાજા પાસેથી યુવતીએ બાળકને જન્મ આપી દીધો હતો. તે બાદ યુવાન પ્રસૂતા મંગેતર અને બાળકને લઇ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યાં મંગેતરને દાખલ કરી હતી. અને ત્યાંથી બાળકને બહુચરાજી સ્મશાન રોડ ઉપર કચરામાં ફેંકી દઇ રવાના થઇ ગયો હતો, નિકાહ પૂર્વે જ મંગેતરે બાળકને જન્મ આપતા બાળક અને માતા સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ સપ્તાહમાં યુગલના નિકાહ થવાના છે. ત્યારે હવે આ યુગલના નિકાહ થશે કે, પછી નિકાહ મોકૂફ રહેશે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના મચ્છીપીઠની આ ઘટનાએ મચ્છીપીઠ વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી મૂકી છે. વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત નિકાહના ગણતરીના કલાકો પૂર્વે મંગેતરે બાળકને જન્મ આપ્યો હોવાની પ્રથમ ઘટના હોવાનું મનાય છે. આ ચકચારી ઘટના અંગે કારેલીબાગ પોલીસે કહેવાતા પોતાના નવજાત બાળકને ત્યજી દેનાર પિતાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં જે કોઇએ પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે મદદ કરી છે તે તમામ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમ કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું.
Recent Comments