દામનગર ખાતે આવેલી પી.એમ.શ્રી શ્રીમતિ નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા (શાળા નં. ૨) ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનો પ્રત્યે આદર, શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમાનું વર્ણન કરતાં વક્તવ્યો, કાવ્યો અને ભક્તિગીતો રજૂ કર્યા હતા. ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર વિદ્યાર્થીઓએ શિક્ષકોને તિલક કરી, પુષ્પ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
શાળાના શિક્ષકોએ ગુરુપૂર્ણિમાનું આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે ગુરુ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી વિદ્યાર્થીના જીવનને ઉજ્જવળ બનાવે છે. વિદ્યાર્થીઓને જીવનમાં ગુરુ પ્રત્યે સદાય આદરભાવ રાખી તેમના માર્ગદર્શન મુજબ આગળ વધવા પ્રેરણા આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય અને આનંદમય વાતાવરણ સર્જાયું હતું. કાર્યક્રમના અંતે સૌએ ગુરુજનોના આશીર્વાદ મેળવી જીવનમાં સદાચાર, સંસ્કાર અને જ્ઞાનના માર્ગે આગળ વધવાનો સંકલ્પ કર્યો હતો.

















Recent Comments