કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી વિભાગના મંત્રીશ્રી અને રાજ્યસભાના સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યશ્રીની ગ્રાન્ટ હેઠળના અમરેલી જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કેન્દ્રીય મંત્રીશ્રીએ અમરેલી જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી. આ ઉપરાંત તેઓશ્રીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અને સંસદસભ્યશ્રીની ગ્રાન્ટ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. બાકી રહેતા કામો સત્વરે સમાપ્ત કરવા માટે પણ તેમણે સૂચના આપી હતી.
સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ચિત્તલ, બગસરા તાલુકાના હામાપુર, લીલીયા તાલુકાના મોટા લીલીયા, સાવરકુંડલા તાલુકાના સેંજળ, જાફરબાદ તાલુકાના શિયાળબેટ, બાબરા તાલુકાના ખંભાળા, લાઠી તાલુકાના સુવાગઢ ગામે વર્ષ ૨૦૧૮-૨૦૨૩ દરમિયાન મંજૂર થયેલા કામો, આ સમય દરમિયાન પૂર્ણ થયેલા કામો, પ્રગતિ તળેના કામો અને જે કામ શરુ નથી થયા તે અંગે સમીક્ષા કરી અધિકારીશ્રીઓને જરુરી સૂચનો કર્યા હતા. બેઠકમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ અમરેલી શહેરની ભાગોળે આવેલા ઠેબી ડેમ-નદીના કાંઠે રિવરફ્રન્ટના નિર્માણની સંભાવનાઓ અને આ અંગે અગાઉ કરવામાં આવેલી પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. તેઓશ્રીએ જણાવ્યુ હતુ કે, અમરેલી શહેરમાં ઠેબી કાંઠે રિવરફ્રન્ટ બનાવવા માટે જરુરી પ્રક્રિયા, અહેવાલો અને નાણાકીય ખર્ચ સહિતની વિગતો સત્વરે મેળવી અને આ કાર્ય કેવી રીતે સુચારુ રીતે કરી શકાય તે અંગે આયોજન કરવું જોઈએ. અમરેલી શહેરના નાગરિકો માટે રિવરફ્રન્ટ એ એક સુંદર પ્રોજેક્ટ બની શકે તેવી શક્યતાઓ છે.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નિર્માણ પામેલા અને નિર્માણાધીન જિલ્લાદીઠ ૭૫ અમૃત સરોવરના કામો અંગે પણ સમીક્ષા કરી હતી. તેઓશ્રીએ અમૃત સરોવરની સાઈટ પર વૃક્ષારોપણ, ધ્વજ વંદન કરી શકાય તે માટેની સુવિધા વિકાસવા અંગે સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, કેન્દ્રીય મંત્રીશ્રીનો સ્વાગત – સત્કાર કર્યો હતો. અધિક જિલ્લા કલેક્ટરશ્રી વાળાએ કેન્દ્રીય મંત્રીશ્રીનું શાબ્દિક સ્વાગત કર્યુ હતુ. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીશ્રીઓ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારીશ્રી લલિત અમીને કર્યુ હતુ. બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રી – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments