આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. તા. ૦૬ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર,૨૦૨૩ સુધી મારી માટી-મારો દેશ, અમૃત કળશ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના ગામે ગામથી અને શહેરોમાંથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવશે. આ કડીના ભાગરૂપે કાર્યક્રમના બીજા ચરણમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી નગરપાલિકાના વોર્ડ નં.૦૬ વોર્ડ નં. ૧૦માં મંગળવારે રાત્રિના ‘અમૃત કળશ’ યાત્રા યોજાઈ હતી.
‘ભારત માતા કી જય’ , ‘મારી માટી મારો દેશ’ના જયઘોષ સાથે અમરેલીના નગરજનો સાથે નાયબ મુખ્ય દંડકશ્રીએ નગરપાલિકાના આ બે વોર્ડમાં આવતા રહેણાંક, દુકાનો, હૉસ્પિટલ સહિતના સ્થાનોથી અક્ષત અને માટી એકત્ર કરી અને કુંભમાં એકઠાં કર્યા હતા. આ કડીમાં આગામી દિવસોમાં પણ નગરપાલિકા વિસ્તારમાં ‘અમૃત કળશ’ યાત્રા યોજાતી રહેશે.
‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને ‘અમૃત કળશ’માં ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે. ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં નગરપાલિકાના હોદ્દેદારો સ્થાનિક અગ્રણીઓ અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments