એકબીજાનાં ઉપાસના દેવતાને નીચા ન દેખાડે એ જ સર્વોપરી સનાતન ધર્મ – ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત ગાથા સાથે લઘુમહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ

ઠાકરધામ બાવળિયાળીમાં શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ધાર્મિકતાનાં નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતાં કહ્યું કે, એકબીજાનાં ઉપાસના દેવતાને નીચા ન દેખાડે એ જ સર્વોપરી સનાતન ધર્મ છે. આ સાથે લઘુમહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવી છે.
મહંત મહામંડલેશ્વર શ્રી રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા લાભ મળી રહ્યો છે. આજે હિન્દુત્વનાં પ્રહરી શ્રી પ્રવિણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી.
શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ઋષિઓનાં સંવાદ અને મહાત્મ્ય રજૂ કરતાં શ્રધ્ધા એટલે પાર્વતી અને વિશ્વાસ એટલે શિવ એમ મહિમા વર્ણન સાથે કહ્યું કે, જડ લાગતાં પંચ મહાભૂત છે તત્વોમાં પણ દૈવી શક્તિ એટલેકે ચેતન તત્વ છે જ, જે આજનાં વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારાયેલું છે. સાંપ્રત ધાર્મિકતાનાં નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતાં કહ્યું કે, એકબીજાનાં ઉપાસના દેવતાને નીચા ન દેખાડે એ જ સર્વોપરી સનાતન ધર્મ છે. વીરપુરનાં ઈતિહાસ સાથે થઈ રહેલ વિકૃત મનઘડંત પ્રસંગો સહિત સ્વામિનારાયણ સંપ્રદાયની કેટલીક વ્યક્તિઓ દ્વારા બીજા પણ આવાં કૃત્યો સામે સંવેદના પૂર્વક રોષ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે, સનાતન સંસ્કૃતિની બાબતમાં ઘાલમેલ કરવાની છોડો તો સારું છે. તેમણે આ ઠાકરધામ દ્વારા થતી ભજન અને ભોજનની સદપ્રવૃત્તિ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.
કથાનાં બીજા દિવસે આ સાથે લઘુમહંત શ્રી ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ મોટીબોરુ મહંત શ્રી કાનજીબાપુનાં હસ્તે સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી.
ગોપ ગાથા પ્રસંગે શ્રી કણીરામજી બાપુ ( દુધરેજ ), શ્રી જાનકીદાસ બાપુ ( કમીઝળા ) સહિત અનેક જગ્યાનાં સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અગ્રણીઓએ કથા લાભ લીધો.
ઉદઘોષક શ્રી નરેશભાઈ મહેતા દ્વારા સુંદર સંચાલન થઈ રહ્યું છે. પોરબંદર સાંદિપની સંસ્થાના શ્રી પ્રવિણભાઈ દવેનાં આયોજન સાથે પૂજન વિધિ તેમજ સંકલનમાં શ્રી ભરતભાઈ રાઠોડ અને કાર્યકર્તા સેવકો રહ્યાં છે.
Recent Comments