ભાવનગર ઝોનના પ્રાદેશિક કમિશનર નગરપાલિકા શ્રી ધવલ પંડ્યા દ્વારા ભાવનગર જિલ્લાની વલ્લભીપુર અને તળાજા
નગરપાલિકાઓની મુલાકાત લીધેલ હતી.
આ મુલાકાત દરમિયાન વલ્લભીપુર અને તળાજા ખાતે ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા અને દૈનિક સમાચાર પત્રોમાં
આવેલ ફરિયાદોના અનુસંધાને સાઇટ વિઝિટ કરવામાં આવી હતી.
વલ્લભીપુર નગરપાલિકા ખાતે જાહેર શૌચાલય પાસે અવારનવાર ગંદકીના પ્રશ્ને સ્થળ મુલાકાત લઈ શૌચાલયની મરામત કરાવવા અને
ત્યાંથી બગાડ થતા પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને નગરપાલિકાના આયોજન હેઠળના કોમ્યુનિટી હોલ પાસે નવીન શૌચાલય બનાવવા
અને શહેરમાં અન્ય સ્થળે શૌચાલય બનાવવા જગ્યા શોધીને આયોજન કરવા સૂચના આપવામાં આવી. વલભીપુર ખાતે રખડતા ઢોર પકડવા
વાહનો વસાવી તેમને નજીકના પાંજરાપોળમાં યોગ્ય રીતે મોકલવા તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.
આ ઉપરાંત ડમ્પીંગ સાઇટ ઉપર એકત્રિત થયેલ ઘન કચરાનો નિકાલ કરવા અને ઘન કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટની જમીન ઝડપથી
મેળવી કામો શરૂ કરવા તેમજ શહેરમાં દૈનિક સાફ સફાઈ રાખવા અને ઘરે ઘરેથી કચરો ઉઠાવવાનું કામ નિયમિત થાય અને મિલકત દીઠ પૂરતા
વાહનો રાખવામાં આવે તે અંગે તકેદારી રાખવા સૂચવ્યું હતું. શહેરમાં આવેલ કચરાના ઢગલાઓનો નિકાલ કરવા અને આ સ્થાનોનું નવીનીકરણ
કરવા, દબાણો દૂર કરવા અને સ્વચ્છ અને સુંદર શહેર માટેના કામના અંદાજો તાત્કાલિક બનાવવા જણાવ્યું હતું. વલભીપુર ખાતે આવેલ ઘોડા
દમણ તળાવની પાળે બ્યુટીફિકેશન કરી વિકાસ કરવાનો પ્રોજેક્ટ આયોજન હેઠળ હોઈ સ્થળની મુલાકાત લઈ તે અંગે જરૂરી સૂચનો પ્રાદેશિક
કમિશનરે કર્યા હતા. વલભીપુર સ્મશાનની પાસે આવેલ ત્રિકોણાકાર જગ્યામાં લોકો કચરો નાખતા હોય અને ખૂબ જ ગંદકી થતી હોય અહીં
પેવરબ્લોક, બાંકડાઓ નાંખવા અને વૃક્ષારોપણ કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ વીજળી બિલ
ઘટાડવા સોલાર પ્રોજેક્ટનું આયોજન કરવા જણાવ્યું હતું.
પ્રાદેશિક કમિશનરે તળાજા નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકી હોય નિયમિત સાફ સફાઈ કરાવવા અને મરામતને પાત્ર રસ્તાઓ તાત્કાલિક
રીપેર કરવા સૂચના આપી. ગંદા પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટ ખાતે મીટર મુકાવવા અને પ્લાન્ટમાં તેની ક્ષમતા મુજબ પાણી આવે તે માટે ગટર
લાઇન સાથે જોડાણ બાકી હોય તેવી મિલકતોના લાઇન સાથે જોડાણ કરવા અને સુએજ પમ્પિંગ સ્ટેશનો ક્ષમતા મુજબ ચાલે તે અંગે આયોજન
કરવા કમિશનરે જણાવ્યું હતુ. શાક માર્કેટની મુલાકાત લઈ તેને સ્વચ્છ રાખવા અને કચરો નિયમિત ઉપડે તે સુનિશ્ચિત કરવા અને શાકમાર્કેટ ખાતે
દબાણ હટાવવા સૂચના આપી હતી. ડમ્પીંગ સાઇટ ખાતે ભેગા થયેલ ઘન કચરાનો તાત્કાલિક નિકાલ કરવા અને તેનું પ્રોસેસિંગ કરતા પ્લાન્ટનું
કામ ઝડપથી પૂરું કરી પ્લાન્ટ શરૂ કરવા અને ઘરે ઘરે થી કચરો ઉઠાવવાનું કામ ઝડપથી એજન્સીને આપવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ
ઉપરાંત, તળાજા ખાતે એભલ મહારાજ ચોકથી ડૉ. ભુપતભાઈ વૈદ્ય બાગ સુધીના રોડના નવીનીકરણના કામની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત દ્વારા પ્રાદેશિક કમિશનરે બંને નગરપાલિકાઓને નાગરિક સુવિધાઓ સુધારવા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે સ્પષ્ટ
દિશાનિર્દેશ આપ્યા હતા.
બોક્સ આઇટમ
શહેરી નિર્માણ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ ભાવનગર ઝોનના તાબા હેઠળ આવતી
વલ્લભીપુર નગરપાલિકાની સ્થાપના તા.૧૦/૦૮/૨૦૦૫ના રોજ થયેલ અને તેની હાલની અંદાજીત વસ્તી ૧૮૪૭૦ છે તેમજ
નગરપાલિકામાં ૬ વોર્ડ આવેલ છે; જયારે તળાજા નગરપાલિકાની સ્થાપના તા.૧૪/૦૪/૧૯૯૪ ના રોજ થયેલ છે અને હાલની અંદાજીત વસ્તી
૩૮૦૦૦ છે તેમજ નગરપાલિકામાં ૭ વોર્ડ આવેલ છે.
Recent Comments