અમરેલી

સાવરકુંડલા શહેરમાં નાવલી નદીમાંથી પસાર થતાં મુખ્ય માર્ગની ગુણવત્તા સામે સવાલો ઉઠયા

સાવરકુંડલા શહેરનો મુખ્ય માર્ગ માત્ર એક રસ્તો નથી, પણ શહેરની જીવાદોરી છે. તે શહેરનું હૃદય છે, જ્યાં હજારો લોકોની રોજી-રોટી, વેપાર-ધંધા અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ જોડાયેલી છે. જ્યારે આ મુખ્ય રોડના નવીનીકરણનું કામ શરૂ થયું, ત્યારે શહેરના લોકોએ હાડમારી સહન કરવાની તૈયારી રાખી, કારણ કે અંતે તો પોતાના શહેરને સારો અને મજબૂત માર્ગ મળવાનો હતો.

મહિનાઓ સુધી ધંધા-રોજગાર બંધ રહ્યા. બજારની રોનક પર તાળાં લાગી ગયા. તહેવારોની ખરીદીથી માંડીને સામાન્ય અવરજવર સુધી, દરેક બાબતમાં લોકોને પારાવાર મુશ્કેલી અને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. વેપારીઓ નિરાશામાં મુકાયા, ઘરોનું અર્થતંત્ર ડગમગી ગયું. પણ લોકોએ ધીરજ રાખી, એ આશાએ કે આ ‘વિકાસ’ શહેરનું ભવિષ્ય સુધારશે.

આખરે, જ્યારે નવો રોડ તૈયાર થયો અને ધીમે ધીમે વેપાર-ધંધા ફરી શરૂ થવા લાગ્યા, ત્યારે વેપારીઓના ચહેરા પર આશાનું એક ઝીણું સ્મિત દેખાયું. ‘ચાલો, આટલું સહન કર્યું પણ હવે શહેરને સારો રસ્તો મળ્યો,’ એવો સંતોષ અનુભવાયો.

પરંતુ, એ સ્મિત લાંબુ ટક્યું નહીં! તૈયાર થયેલા આ રોડ પર અલ્પ  તિરાડો દેખાવા લાગી.

આ તિરાડો માત્ર ડામર કે સિમેન્ટમાં નથી પડી, પણ લોકોના વિશ્વાસ પર પડી છે! જે રસ્તા માટે મહિનાઓ સુધી લોકોએ વેપાર ગુમાવ્યો, હાડમારી ભોગવી, આર્થિક સંકટ સહન કર્યું, આ રોડ હજુ બની રહ્યો છે ત્યાં જ તૂટવાના પ્રારંભ સાથે તિરાડો પડવા લાગે તો આને વિકાસ કહેવો કે પછી?? 

સાવરકુંડલાના લોકો હવે પૂછી રહ્યા છે કે આવી પરિસ્થિતિનો ધી એન્ડ ક્યારે આવશે?  નબળું કામ નહીં ચાલે આવી સૂચનાઓ ધારાસભ્ય કસવાળા દ્વારા થોડા સમય પહેલા આપવામાં આવી હતી. તેમના સૂચનોને પણ જાણે ઘોળીને પી જવામાં આવ્યા હોય તેવું જણાય રહ્યું છે. લોકોના હિતના કાર્યમાં નબળી ગુણવત્તાવાળું કાર્ય થતું હોય તો તે વ્યાજબી કહેવાય ખરું? અને આવી પરિસ્થિતિમાં  શહેર પ્રગતિ કેવી રીતે કરશે? આ પરિસ્થિતિ હવે ક્યારે વિશ્રામ લેશે?  સાવરકુંડલાની જનતાની સ્પષ્ટ માંગ છે: બસ, હવે બહુ થયું! જનતાના પૈસાની પાયે પાયનો સદુપયોગ થવો જોઈએ અને એ જ સમયની માંગ પણ ગણાય એમ સોહિલ શેખની એક અખબારી યાદીમાં જણાવાયું હતું. 

Related Posts