અમરેલી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામે પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિરોકાણ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામની મુલાકાત દરમિયાન “એક પેડ માં કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કરવાની સાથે ગામના ચોક- ચોરાહેથી સહજ રીતે સંબોધન કર્યું હતું.

રાજ્યપાલશ્રીને પ્રતાપગઢ ગામના અગ્રણીશ્રીઓ, ગ્રામજનો અને બહેનોએ ઉમળકાભેર આવકાર્યા હતા. રાજ્યપાલશ્રીએ પણ સૌનું અભિવાદન ઝીલ્યું હતું.

રાજ્યપાલશ્રીએ પ્રતાપગઢ ગામના મુખ્ય ચોક ખાતેથી ગ્રામજનોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી લોકોના સ્વાસ્થ્યને બચાવવું એ પુણ્યનું કામ છે. ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકભર્યા ઉપયોગથી લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસરો થઈ રહી છે. કેન્સર, ડાયાબિટીસ વગેરે બીમારીઓનું પ્રમાણ વધ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી વાતાવરણ પણ દૂષિત થઈ રહ્યું છે, યુરિયામાં નાઇટ્રોજન હોય છે, જે હવાના ઓક્સિજન સાથે મળીને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક એવો નાઈટ્રસ ઓક્સાઇડ ગેસ બનાવે છે. જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક ગણાતા કાર્બન ડાયોક્સાઇડ કરતા પણ ૩૧૨ ગણો નુકસાનરૂપ છે.

તેમણે ખાસ આવનારી પેઢીના સ્વાસ્થ્ય માટે ગ્રામજનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ધરતી બિનઉપજાવ બની રહી છે, પર્યાવરણીય સમસ્યાઓ વકરી રહી છે, ત્યારે પ્રાકૃતિક કૃષિથી જ લોકોના સ્વાસ્થ્ય અને પ્રકૃતિનું રક્ષણ થઈ શકશે. આ સાથે તેમણે ગ્રામજનોને સાથે મળીને ગૌશાળા બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ ગણાવી હતી. ઉપરાંત રાજ્યપાલશ્રીએ પ્રતાપગઢ ગામને આદર્શરૂપ ગણાવતા કહ્યું કે, શહેરથી પણ વધુ રળિયામણું અને સ્વચ્છ ગામ છે. તેમણે આ ગામના અતિથિ બનવાને સૌભાગ્ય માન્યું હતું. તેમજ ગ્રામજનોને શુભ પ્રસંગે વૃક્ષ વાવવાની અપીલ કરી હતી.

વધુમાં રાજ્યપાલશ્રીએ પ્રતાપગઢ પ્રાથમિક શાળાની મુલાકાત કરીને સુવિધા અને વ્યવસ્થાઓથી વાકેફ થયા હતા. તેમજ બાળકો અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલશ્રી પ્રતાપગઢ પ્રામથમિક શાળાના સામાન્ય રૂમમાં રાત્રિ રોકાણ પણ કરશે.

આ તકે જિલ્લા કલેકટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, આસિસ્ટન્ટ કલેકટર શ્રી અતુલસિંઘ, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જાડેજા, પ્રાંત અધિકારી શ્રી બ્રહ્મભટ્ટ, સરપંચ શ્રી રસિકભાઈ રામાણી, ઉપસરપંચ શ્રી મુકેશભાઈ સેલડીયા સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts