અમરેલી-ધારી રોડ પર સ્થિત આંબરડી સફારી પાર્ક આજે પ્રવાસીઓ માટે મનગમતું સરનામું બની ગયું છે. વન્યજીવ સૃષ્ટિ અને કુદરતી સૌંદર્યનો સમન્વય ધરાવતું આ સ્થળ પરિવારો માટે રજાઓ માણવાનું ઉત્તમ કેન્દ્ર છે. અહીં વન્યજીવોના સાનિધ્યમાં અનોખી રોમાંચક સફર થાય છે સફારી આંબરડી સફારી પાર્કની સૌથી મોટી વિશેષતા અહીંના સુરક્ષિત સિંહ દર્શન છે.માત્ર સિંહ જ નહિ પરંતુ હરણ દીપડા જેવા પ્રાણીઓના પણ દર્શન થઈ શકે છે. વન વિભાગ દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલી બસ સુવિધા દ્વારા તમે ખૂબ જ નજીકથી એશિયાટિક સિંહો, ચપળ દીપડા અને હરણોને નિહાળી શકો છો. જંગલના રાજાને મુક્ત અવસ્થામાં જોવાનો લ્હાવો પ્રવાસીઓ માટે યાદગાર બની રહે છે.
બાળકો અને પરિવાર માટે મનોરંજનનો અઢળક ખજાનો.
શહેરના ઘોંઘાટથી દૂર શુદ્ધ હવા અને મનમોહક વાતાવરણમાં વસેલા આ પાર્કમાં બાળકો માટે ખાસ ‘કિડ્સ ઝોન’ બનાવવામાં આવ્યો છે.
સુવિધાઓ.. આધુનિક હિંચકા, લપસણી અને રમવા માટે વિશાળ મેદાન.
પરિવાર સાથે પિકનિક મનાવવા અને ફોટોગ્રાફી માટે આ શ્રેષ્ઠ સ્થળ છે.
શ્રદ્ધા અને કુદરતનો અદભૂત સંગમ એટલે ગળધરા ખોડિયાર મંદિર.
આંબરડીની મુલાકાત ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે તમે નજીકમાં આવેલા ગળધરા ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરો.
કુદરતી સૌંદર્ય જાણે કુદરતે છુટ્ટા હાથે વેર્યું હોય તેવું અનુપમ સ્થાન ખોડિયાર ડેમની નીચે વહેતા અવિરત ઝરણાં અને આસપાસની હરિયાળી મનને શાંતિ આપે છે.
શાંતિનો અહેસાસ એટલે વન્ય સંપદા સાથે કુદરતીપણાનો અહેસાસ. ધારીના આ પવિત્ર સ્થળે કુદરતની અસીમ સુંદરતાના દર્શન થાય છે.
પ્રકૃતિના દર્શન બાદ પ્રવાસીઓ ધારીમાં અસલ કાઠિયાવાડી ભોજનનો આનંદ માણી શકે છે. સ્થાનિક ફાર્મ હાઉસની મુલાકાત લઈને ગ્રામીણ જીવનશૈલીને નજીકથી સમજવાની આ એક ઉત્તમ તક છે.વન વિભાગ દ્વારા પણ લોકોને અનુરોધ કરવામાં આવે છે કે ગીરના આ સુંદર પ્રવેશદ્વાર સમાન આંબરડી સફારી પાર્કની મુલાકાત લો અને કુદરતની જાળવણીમાં સહભાગી બનો.


















Recent Comments