ભાવનગર જિલ્લામાં ભેળસેળયુક્ત દારૂની બનેલી દુઃખદ ઘટનામાં આઠ લોકોના મૃત્યુ અંગે રાજ્ય સરકાર
વતી ઊંડા દુઃખ અને સંવેદના વ્યક્ત કરતાં પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આ
મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનો સાથે સંપૂર્ણ સંવેદનાથી ઊભી છે. સમગ્ર ઘટનાને રાજ્ય
સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચનાઓ
આપવામાં આવી છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ થતાં જ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની સૂચનાથી
પોલીસ વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અસરગ્રસ્ત લોકોને શોધી કાઢી હોસ્પિટલમાં ખસેડવા,
મેડિકલ તપાસ કરાવવા અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવા પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા ઝડપી
કામગીરી કરવામાં આવી હતી. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે, જ્યારે 16 લોકોને સારવાર બાદ રજા
આપવામાં આવી છે. પોલીસ દ્વારા આશરે 29 લોકોને શોધી કાઢી તેમની મેડિકલ તપાસ અને જરૂરી
સારવાર કરાવવામાં આવી છે. 21 આરોપીઓ સામે ગુના નોંધાયા છે, જેમાંથી 13 આરોપીઓની ધરપકડ
કરવામાં આવી છે. પોલીસની તપાસના આધારે આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મુખ્ય
સૂત્રધાર સહિતના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે અને કેટલાક આરોપીઓ સામે અન્ય
ગુનાઓ પણ નોંધાયા હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકારે આ ઘટનાને
અત્યંત ગંભીરતાથી લીધી છે અને તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપી છે. આ ઘટનાના તાર અન્ય
રાજ્ય સુધી પહોંચતા હોય તો ત્યાં પણ જઈને તપાસ અને કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ તપાસ
એજન્સીઓને આપવામાં આવી છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં જે બેદરકારી સામે આવી છે તેના પગલે બે
પોલીસ ઇન્સ્પેક્ટર સહિત કુલ સાત પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જવાબદારી નક્કી કરવામાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં
આવશે નહીં અને તપાસના અંતે જે કોઈની સંડોવણી અથવા બેદરકારી બહાર આવશે તેની સામે કડક
કાર્યવાહી કરવામાં આવશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા માનવતાપૂર્ણ અભિગમ સાથે કામગીરી
કરવામાં આવી છે. જેમને કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો હોય અથવા ભેળસેળયુક્ત દારૂનું સેવન કર્યું હોવાની
સંભાવના હોય તેવા લોકોને પણ શોધી કાઢી તેમની તબીબી તપાસ કરાવવામાં આવી છે. કેટલાક સ્થળોએ
રહેલા પદાર્થોને પણ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને દૂર કરવામાં આવ્યા છે.
આ સમગ્ર ઘટનાને દુઃખદ અને અત્યંત ગંભીર ગણાવતા પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું
હતું કે રાજ્ય સરકાર માટે એક-એક માનવજીવન અમૂલ્ય છે. ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને
જવાબદાર વ્યક્તિ, તેને મદદ કરનાર કે કોઈપણ સ્તરે સંડોવાયેલા વ્યક્તિ સામે કાયદા મુજબ અત્યંત કડક
કાર્યવાહી કરવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, સિવિલ હોસ્પિટલ સહિત
સંબંધિત તમામ વિભાગોના અધિકારીઓ સાથે કરવામાં આવેલી ચર્ચાઓ અંગે પણ માહિતી આપી હતી.
રાજ્ય સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને આગળની તપાસ તથા કાર્યવાહી
ત્વરિત અને પારદર્શક રીતે કરવામાં આવશે.


















Recent Comments