અમરેલી

સાવરકુંડલા-નેસડી રોડ પર ૧૨ બમ્પ મુકાતા સ્થાનિકોએ લીધો રાહતનો શ્વાસ: અકસ્માતો પર લાગશે લગામ

સાવરકુંડલા શહેરમાં પ્રવેશતા મુખ્ય માર્ગ એવા નેસડી રોડ પર વધતા જતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા લેવાયેલું પગલું આવકારદાયક સાબિત થયું છે. ન્યારા પેટ્રોલ પંપથી શહેરના ખોડીયાર પાન સુધીના માર્ગ પર કુલ ૧૨ જેટલા સ્પીડ બ્રેકર (બમ્પ) મૂકવામાં આવતા સ્થાનિક રહીશો અને વાહનચાલકોની સુરક્ષામાં વધારો થયો છે.

આ રોડ માત્ર શહેરનો પ્રવેશમાર્ગ નથી, પરંતુ અહીં અનેક રહેણાંક સોસાયટીઓ, શાળાઓ અને હીરાના કારખાનાઓ આવેલા છે. ગોકુલનગર વિસ્તારમાંથી પસાર થતો આ રસ્તો અમરેલી તરફ જતો હોવાથી અહીં ભારે વાહનોની પણ સતત અવરજવર રહે છે. રસ્તો નવો અને સારો હોવાને કારણે વાહનચાલકો બેફામ ગતિએ વાહનો હંકારતા હતા, જેને કારણે રાહદારીઓ અને શ્રમિકોના જીવ જોખમમાં મુકાતા હતા.

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા સમય પહેલા જ આ વિસ્તારના જયસુખભાઈ નામના વ્યક્તિ ગંભીર અકસ્માતનો શિકાર બન્યા હતા, જેમાં તેમને પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. આવા અનેક નાના-મોટા અકસ્માતો આ રોડ પર રોજિંદી ઘટના બની ગયા હતા, જેના પગલે ગતિ નિયંત્રણ માટે બંપની જરૂરિયાત અનિવાર્ય બની હતી.

બમ્પ બનવાને કારણે હીરાના કારીગરો, કારખાનેદારો અને સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે અને તંત્રની આ કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો છે. જોકે, નાગરિકોની હવે એવી પણ માંગ છે કે:

​રાત્રિના સમયે ચાલકોને બમ્પ દેખાય તે માટે તેના પર સફેદ પટ્ટા અથવા રેડિયમ પટ્ટા લગાવવામાં આવે.

​બમ્પની સૂચના આપતા બોર્ડ પણ યોગ્ય અંતરે મૂકવામાં આવે જેથી ચાલકોને અકસ્માત ન નડે. ​આ વ્યવસ્થા થવાથી વાહનોની ગતિ મર્યાદિત રહેશે અને ભવિષ્યમાં થનારા જીવલેણ અકસ્માતોને નિવારી શકાશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

Related Posts