આજે સામાન્ય નાગરિક પોતાની રોજબરોજની જિંદગીમાં સતત અસુરક્ષા અને અરાજકતાનો અનુભવ કરી રહ્યો છે. ટ્રાફિકના નિયમોનું બેફામ ઉલ્લંઘન, ઘોંઘાટ (નોઈઝ પોલ્યુશન), નદી-કૂવાઓમાં છડેચોક ઠાલવવામાં આવતું કેમિકલ યુક્ત ઝેરી પાણી અને ફેક્ટરીઓમાંથી વાતાવરણમાં છોડાતા પ્રદૂષિત વાયુઓ – આ બધું જ દર્શાવે છે કે અરાજકતા કોઈ એક વ્યક્તિ નથી ફેલાવતી, પરંતુ આખી સિસ્ટમ એનો ભોગ બની રહી છે.
સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, સામાન્ય માણસને પીડતી આ અરાજકતાને કડક હાથે કેમ દાબવામાં આવતી નથી? લાખો સરકારી અધિકારીઓમાંથી જ્યારે કોઈ એક અધિકારી કાયદા મુજબ પ્રમાણિકતાથી કામ કરે, ત્યારે તેને “હીરો” માનવો પડે – શું આ સ્થિતિ જ પોતે એક મોટી અરાજકતા નથી? રાજ્યનો મૂળ હેતુ જ પ્રજાને અરાજકતાથી બચાવવાનો અને સુશાસન આપવાનો હોય છે. જો અરાજકતા ફેલાય તો તે શાસન ચલાવનારાઓની જ નિષ્ફળતા ગણાય.
એકતરફ સામાજિક અને વહિવટી અરાજકતા છે, તો બીજી તરફ બદલાતા હવામાન અને વાતાવરણના પ્રદૂષણે સામાન્ય જનજીવન મુશ્કેલ બનાવી દીધું છે. તહેવારોની ઋતુ હોવા છતાં વાતાવરણમાં ભારે બફારો અને ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. સવારથી જ ભેજનું પ્રમાણ (Humidity) 70%થી વધુ રહેતાં અને તાપમાન ઊંચું જતાં લોકો અકુળામણ અનુભવી રહ્યા છે.
હવામાનની માનસિક અસર પણ સીધી માણસના મગજ પર પડે છે. ગરમી અને બફારાને કારણે લોકોનો પારો ગરમ થઈ જાય છે, જ્યારે ઠંડક અને શાંત વાતાવરણમાં જ વિવેકપૂર્ણ વિચારો શક્ય બને છે. વાતાવરણ ડહોળાય ત્યારે જ મચ્છર, માખી અને વંદા જેવા રોગચાળો ફેલાવતા જીવો બહાર આવે છે – જે સામાજિક જીવનને પણ એટલું જ લાગુ પડે છે.
પર્યાવરણ અને સિસ્ટમની ફિકર કરવા વાળા મોટાભાગના લોકો AC હોલમાં મિનરલ વોટરની બોટલો રાખીને માત્ર મોટી મોટી ચર્ચાઓ જ કર્યા કરે છે. વાસ્તવિક જમીની હકીકત બદલવા માટે કડક પગલાંનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.
જેમ કવિ પાંધી સર એમની પંક્તિઓમાં માર્મિક કટાક્ષ કરતાં કહે છે:
”મહાવરા ને કહી દો હવે સાનમાં,
અર્થઘટનો આમ ખોટા ન કરે;
રાજકારણને હવે કોઠે પડી ગયું છે,
બધા હવે ગોળ ગોળ વાતો કરે…”
આજે જરૂરિયાત એ વાતની છે કે રાજકારણ અને વહીવટીતંત્ર ગોળ-ગોળ વાતો બંધ કરે, માત્ર કાગળ પરની ચર્ચાઓ છોડી જમીની સ્તરે કાયદાનું કડક પાલન કરાવે અને સામાન્ય નાગરિકને આ દૈનિક અરાજકતામાંથી મુક્તિ અપાવે.

















Recent Comments