સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, લીલીયા દ્વારા RUSA (National Higher Education Mission) તથા IQACના સંયુક્ત ઉપક્રમ હેઠળ “સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંઘર્ષ” વિષયક એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું તા. ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના “લોખંડી પુરુષ” તરીકે જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્વાતંત્ર્ય સંઘર્ષ, રાષ્ટ્રીય એકતા તથા દેશના રજવાડાઓના એકીકરણમાં તેમના અવિસ્મરણીય યોગદાનને સમર્પિત આ રાષ્ટ્રીય સેમિનારમાં દેશભરના પ્રતિષ્ઠિત ઇતિહાસવિદો, વિદ્વાનો, અધ્યાપકો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા.
સેમિનારમાં શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની વહીવટી દ્રષ્ટિ, ખેડા–બારડોલી સત્યાગ્રહમાં તેમની ભૂમિકા તથા રાષ્ટ્રીય એકતાના નિર્માણમાં તેમના યોગદાન અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ ગોષ્ઠી અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે એક ઉત્તમ શૈક્ષણિક અવસરરૂપ સાબિત થઈ હતી.
આ સેમિનારનો મુખ્ય હેતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં સરદાર સાહેબના ઓછા ચર્ચાયેલા અને ન લખાયેલા પાસાઓ અંગે સંશોધનને પ્રોત્સાહન આપવાનો, જાગૃતિ ફેલાવવાનો તથા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પ્રદાન કરવાનો હતો.
લોખંડી પુરુષ સરદાર પટેલના વિચારોમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રીય એકતા, દેશપ્રેમ અને જવાબદાર નાગરિકત્વ તરફ એક કદમ આગળ વધારવાનો પ્રયાસ આ સેમિનાર દ્વારા કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના સફળ આયોજન માટે સેમિનાર કોઓર્ડિનેટર ડૉ. ભરત ખેની તેમજ સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, લીલીયા પરિવાર દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ કોલેજના આચાર્યશ્રી રાજેન્દ્રસિંહ રાઠોડએ એક યાદીમાં જણાવ્યું હતું.


















Recent Comments