અમરેલી

ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લાઠી ખાતે રૂ. ૮.૪૧ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત

લાઠી શહેરમાં વિકાસને નવી દિશા આપતા કુલ રૂ. ૮.૪૧ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત ઉર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિધિવત્ કરવામાં આવ્યું હતું. શહેરના નાગરિકોમાં આનંદ અને ઉત્સાહ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં લાઠીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી.

આ વિકાસકાર્યો અંતર્ગત લાઠી ખાતે ગાગડીયો નદી પર અંદાજિત રૂ. ૭ કરોડના ખર્ચે આધુનિક સુવિધાસભર પૂલનું નિર્માણ કરવામાં આવશે. આ નવા પૂલના નિર્માણથી વરસાદી ઋતુ દરમિયાન નદીના વધેલા પ્રવાહ સમયે આવનજાવનમાં થતી અડચણો દૂર થશે અને સરળ અને સુરક્ષિત પરિવહન સુલભ બનશે.  ઉપરાંત, નગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે વિવિધ સી.સી રોડના કામ હાથ ધરવામાં આવશે, જેના કારણે શહેરના આંતરિક માર્ગો મજબૂત બનશે, વાહન વ્યવહાર સુગમ થશે અને નાગરિકોને દૈનિક અવરજવરમાં સહેલાઈ મળશે.

આ વિકાસકાર્યો લાઠી શહેર માટે અનેક રીતે લાભદાયી સાબિત થશે. નવા પૂલથી શહેરીજનોની સુવિધામાં વધારો થશે. સીસી રોડ-રસ્તાના કામોથી શહેરની આધારીય સુવિધાઓમાં ઉમેરો થશે, સ્વચ્છતા અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા માટે સહાય મળશે અને શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, અમરેલીના સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા, લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી જેતનભાઈ જમોડ, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, ધર્મેશભાઈ સોની, જીતુભાઈ ડેર, નગરપાલિકાના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ રાજ્ય સરકારના આ વિકાસલક્ષી પ્રયાસોને વધાવી લીધા હતા અને લાઠી શહેરને આધુનિક અને સુસજ્જ બનાવવા માટે સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

Related Posts