‘જય દ્વારકાધીશ’ના નાદે ગગન આખું ગજવ્યું છે,
શ્રદ્ધાના ભાથા સાથે ડગલે ડગલે સ્મરણ સજાવ્યું છે.
છોડી દુનિયાની ફિકર, નીકળ્યા છે હવે દ્વારકા ભણી,
માલધારીઓએ ભક્તિનું આજે રૂડું રૂપ દીપાવ્યું છે.
–“પાંધી સર”
સાવરકુંડલાની પવિત્ર ધરા પર આજે ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત ચતુર્થ ‘સાવરકુંડલા થી દ્વારકા પદયાત્રા સંઘ’નું અત્યંત ભક્તિસભર વાતાવરણમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ‘જય દ્વારકાધીશ’ના ગગનભેદી નાદ સાથે માલધારી ચોકથી શરૂ થયેલા આ સંઘમાં ૭૦૦થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે.
ભક્તિમય પ્રારંભ અને મહાયજ્ઞ
પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે માલધારી ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના ઝીંઝુડા મોમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસાપીર બાપુના અધ્યક્ષ સ્થાને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ હતી. પૂજ્ય બાપુએ પદયાત્રીઓને આશીર્વાદ આપી સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પૂ. મસા પીર બાપુ દ્વારા તમામ ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રાની વિશેષતા એ છે કે તેમાં માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ દેશ-વિદેશથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. માર્ગમાં ઠેર-ઠેર રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.યાત્રાના રૂટ પર સેવાભાવી મંડળો દ્વારા શરબત, આઈસ્ક્રીમ અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, સમગ્ર યાત્રા દરમિયાન:
શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવાની ઉત્તમ સગવડ.
તાત્કાલિક સારવાર માટે મેડિકલ સહાયની ટીમો.
દાતાઓના સહયોગથી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.
”છોડ ફિકર દુનિયા કી ચલ દ્વારકા ચલતે હૈ” ના નારા સાથે નીકળેલો આ સંઘ આગામી દિવસોમાં દ્વારકા પહોંચી ભગવાન દ્વારકાધીશના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કરી ધન્યતા અનુભવશે. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આ આયોજનમાં સહભાગી થનાર તમામ સંસ્થાઓ અને દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.


















Recent Comments