“ માર્ગદર્શનમાં જેમના ખીલ્યા છે અનેક ફૂલો આ બાગમાં
એ જ ગુરુના સન્માનમાં ઝૂકે છે આભ હાસ્ય તણાં તાજમાં.”
– – “પાંધી સર”
અમરેલી જિલ્લાના
સાવરકુંડલાની ધરતી પર ગતરોજ રાત્રે આઠેક વાગ્યા આસપાસ એક ઐતિહાસિક અને ગરિમાપૂર્ણ પ્રસંગાલેખન થયું. ભારત સરકાર દ્વારા શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ નિવૃત શિક્ષક, જેના માર્ગદર્શન હેઠળ અનેક શિષ્યોને જીવનના ઉન્મત શિખરો સર કર્યા છે એવા હાસ્ય સમ્રાટ શ્રી રતિલાલ બોરીસાગરને ‘પદ્મશ્રી’ એવોર્ડ જાહેર થતા, સમગ્ર સાવરકુંડલા પંથકમાં હરખની હેલી જોવા મળી હતી. આ આનંદને ઉત્સવમાં ફેરવવા માટે વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના પટાંગણમાં એક ભવ્ય જાહેર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગની વિશેષતા એ હતી કે, પદ્મશ્રી રતિલાલ બોરીસાગરનું સન્માન સંત શિરોમણી પૂજ્ય મોરારીબાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રતિલાલ બોરીસાગર સાહેબે અત્યંત ભાવુક થઈ જણાવ્યું હતું કે, “આજથી ૧૫ વર્ષ પહેલા પણ બાપુના હસ્તે શિક્ષક તરીકે સન્માનિત થયો હતો અને આજે પદ્મશ્રી મળ્યા બાદ ફરી તેમના જ આશીર્વાદ પ્રાપ્ત થવા તે મારા માટે પરમ સૌભાગ્યની વાત છે.” આ ઘટના પણ મારા જીવન સફરની એક અણમોલ યાદગીરી બની જાય છે. વિશેષમાં પદ્મશ્રી પુરસ્કાર સંદર્ભે પૂછતા બોરીસાગર સાહેબે હર્ષ સહ જણાવ્યું હતું કે હાસ્યરસની નોંધ કેન્દ્રીય કક્ષાએ પદ્મશ્રી સંદર્ભ લેવામાં આવી એ ખરેખર સાહિત્ય જગત માટે ગૌરવ સમાન ગણાય.
આ સમારોહમાં માનવમંદિરના પૂજ્ય ભક્તિરામબાપુ, ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ખ્યાતનામ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર તેમજ શહેરના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જનમેદનીની હાજરીમાં સાવરકુંડલાના આ “અણમોલ આભૂષણ”ને વધાવવામાં આવ્યા હતા.
વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતા અને રતિલાલ સાહેબના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના ગુરુને રાષ્ટ્રીય સ્તરે સન્માન મળતા શિષ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર (નિઃશુલ્ક હોસ્પિટલ) ના પટાંગણમાં યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા, દિવ્યકાંતભાઈ સૂચક સમેત સમગ્ર કર્મચારીગણ તથા ટ્રસ્ટીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રણવભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું
આમ, સાવરકુંડલાના શિક્ષણ અને સાહિત્યના વારસાને પદ્મશ્રીના ઓપ સાથે પૂજ્ય બાપુના આશીર્વાદ મળતા આ દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે.


















Recent Comments