અમરેલી

આધ્યાત્મિક ચેતના અને પારદર્શિતાનો સંગમ: સાવરકુંડલાના નિર્દોષાનંદજી આશ્રમમાં જામ્યો સત્સંગનો રસાસ્વાદ

​​સત્સંગની ગંગા વહે જ્યાં, શુદ્ધ આચરણ દેખાય છે,

લક્ષ્મી ત્યજીને અહીં તો બસ, ભક્તિનું ધન મપાય છે.

​પારદર્શી છે વહીવટ ને હૃદયમાં શિવનું નામ છે,

નિર્દોષાનંદજીનો આ આશ્રમ, સાચું તીર્થધામ છે.

–“પાંધી સર”

સાવરકુંડલા-મહુવા રોડ પર સ્થિત સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે ગતરોજ એક દિવ્ય અને યાદગાર સત્સંગ સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીની અસ્ખલિત અમૃતવાણીનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં સત્સંગીઓ ઉમટી પડ્યા હતા.આ પ્રસંગે સત્સંગ બાદ આ શિવરાત્રી મહોત્સવમાં અનન્ય સેવા કરનાર તમામ ભાવિકોને પ. પૂ. ભોલાનંદ સરસ્વતીજીના આશીર્વાદ સાથે માળા અને આભાર દર્શન પત્ર અર્પણ કરવામાં આવેલ. 

​ સ્વામીજીનો મર્મસ્પર્શી ઉપદેશ

અન્ય આશ્રમ તરફ પ્રસ્થાન કરતા પૂર્વે સ્વામી ભોલાનંદ સરસ્વતીજીએ ઉપસ્થિત મેદનીને હૃદયસ્પર્શી બોધ આપતા જણાવ્યું હતું કે, “સાધુ તો વહેતા ભલા”. તેમણે ભક્તોને અનુરોધ કર્યો હતો કે જીવનની વ્યસ્તતા વચ્ચે થોડો સમય ફાળવી આશ્રમની આધ્યાત્મિક ઉર્જાનો લાભ લેવો જોઈએ. શિવ સ્મરણ અને નિયમિત આશ્રમ મુલાકાત દ્વારા જ જીવનું કલ્યાણ શક્ય છે તે વાત પર તેમણે ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમની સૌથી નોંધનીય અને પ્રશંસનીય બાબત એ રહી કે, તાજેતરમાં યોજાયેલા મહાશિવરાત્રી મહોત્સવના આર્થિક લેખાજોખા તમામ સત્સંગીઓ સમક્ષ જાહેરમાં રજૂ કરવામાં આવ્યા હતા. એક-એક પાઈનો તલસ્પર્શી હિસાબ આપી આશ્રમે સાબિત કર્યું કે અહીં ‘લક્ષ્મી’ કરતા ‘ભક્તિ’, ‘સમર્પણ’ અને ‘પ્રમાણિકતા’નું મૂલ્ય સવિશેષ છે. આ તકે ટીંબી ખાતે કાર્યરત હોસ્પિટલમાં અપાતી નિશુલ્ક સેવાઓ અને ભોજન વ્યવસ્થાનો પણ દસ્તાવેજી સ્વીકાર કરવામાં આવ્યો હતો.

​આશ્રમમાં પ્રવેશતા જ ભક્તોને એક અનોખી ચેતના અને શાંતિનો અનુભવ થતો હોવાનું સત્સંગીઓએ જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.

પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલાના શિવભક્ત અશોકભાઈ કથિરિયા પ. પૂ. સ્વામી ભોલાનંદ સરસ્વતીજીના આશીર્વાદ લઈ રહ્યા છે. અશોકભાઈ કથિરિયા, જીજ્ઞેશભાઈ વાઘાણી તથા વિપુલભાઈ ત્રિવેદીએ આ સંસ્થા દ્વારા યોજાયેલ શિવરાત્રી મહોત્સવનો પારદર્શક વહીવટ કરેલ જે ખરેખર નોંધનીય બાબત છે.

Related Posts