અમરેલી

કુંકાવાવ પંથકના વિવિધ ગામોના તળાવોમાં નવા નીરના વધામણા કરતા કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા

ગુજરાત રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક જળાશયો અને તળાવોમાં આવેલા નવા નીરના હર્ષભેર વધામણા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સારા વરસાદના પગલે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્યમંત્રીશ્રીએ ઈશ્વરીયા, લાખાપાદર, બાંભણિયા, માયાપાદર, દડવા રાંદલ, નવા બાદનપુર, જૂના બાદનપુર, ભાયાવદર, વાવડી રોડ અને તાલાળી મુકામે આવેલા તળાવોની મુલાકાત લીધી હતી.

આ પવિત્ર અવસરે રાજ્યમંત્રીશ્રીએ કુદરતના અણમોલ જળપ્રવાહને પુષ્પો અર્પણ કરી અને શ્રીફળ અર્પણ કરીને વધાવ્યો હતો, જળાશયો છલકાતા સમગ્ર પંથકના ગ્રામજનો અને જગતના તાત એવા ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જળસંચયના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જળ સમૃદ્ધિ એ જ કૃષિ સમૃદ્ધિનો પાયો છે. જ્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંગ્રહિત થાય છે, ત્યારે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવે છે અને કુવા-બોર પુનર્જીવિત થાય છે. કુંકાવાવ પંથકના આ તળાવોમાં નવા નીરના આગમનથી આગામી સમયમાં સિંચાઈની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે, જેના કારણે ખેડૂતો ખરીફ અને રવિ પાક ખૂબ જ સરળતાથી લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, અમરેલી, વડિયા અને કુંકાવાવના ૧૧૫ જેટલા ગામોમાં જનભાગીદારીથી તળાવો ઊંડા ઉતારવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. સરકારની આ જળસંચયની નેમ આજે સાકાર થતી જોવા મળી રહી છે.

ખેતી અને પાણી એકબીજાના પૂરક છે; પાણી વિના સમૃદ્ધ ખેતીની કલ્પના અશક્ય છે. પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ જળ એ પાકના ઉત્તમ અંકુરણથી લઈને ભરપૂર ઉત્પાદન મેળવવા સુધીની સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય પ્રાણ છે. જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિથી જળસંગ્રહ થાય છે, ત્યારે કુવા અને બોરના તળ ઊંચા આવે છે, જે ખેડૂતોને કટોકટીના સમયે કે વરસાદ ખેંચાય ત્યારે પણ પાક બચાવવાની જીવાદોરી બને છે. નિયમિત અને સુદ્રઢ સિંચાઈ વ્યવસ્થાને કારણે જમીનની ભેજ સંગ્રહ શક્તિ વધે છે, મોંઘા ખાતરો અને બિયારણનો સદુપયોગ થાય છે, અને ખેડૂતો વર્ષમાં બે કે ત્રણ પાક લઈને વૈવિધ્યસભર ખેતી તરફ વળી શકે છે. આમ, પાણીના પ્રત્યેક બુંદનો સાચો સંગ્રહ જ ખેતીનો ખર્ચ ઘટાડી, પાકની ગુણવત્તા સુધારીને જગતના તાતને આર્થિક આપત્તિઓ સામે સુરક્ષા કવચ અને સાચી સમૃદ્ધિ પ્રદાન કરે છે.

રાજ્યમંત્રીશ્રીએ નવા નીરના વધામણા કરીને જિલ્લાની  ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ શુભકામનાઓ વ્યક્ત કરી હતી. અમરેલી તાલુકાના વિવિધ ગામડાઓમાં નવા નીર વધામણા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હોદ્દેદારો, ગ્રામ પંચાયત સરપંચશ્રી અને સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related Posts