અમરેલી

સાવરકુંડલાની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલમાં “પાણીજન્ય રોગો” અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ, સાવરકુંડલા ખાતે વિદ્યાર્થીનીઓમાં સ્વાસ્થ્ય અંગે સજાગતા આવે તે હેતુથી “પાણીજન્ય રોગો અને તેનાથી બચવાના ઉપાયો” વિષય પર એક ખાસ જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

​કાર્યક્રમની શરૂઆત શાળાન આચાર્યાશ્રી ઉષાબેન બી. તેરૈયાના સ્વાગત પ્રવચનથી થઈ હતી. તેમણે વિદ્યાર્થીનીઓને દૈનિક જીવનમાં સ્વચ્છતા, શુદ્ધ પીવાના પાણીનો ઉપયોગ અને આરોગ્યપ્રદ ટેવો કેળવવા માટે પ્રેરણા આપી હતી.

​આ કાર્યક્રમમાં અર્બન હેલ્થ સેન્ટર, સાવરકુંડલાની મેડિકલ ટીમના પ્રતિનિધિઓ શ્રી ભરતભાઈ ગોસ્વામી અને શ્રી હિતેશભાઈ ચૌહાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા:

​ મેડિકલ ટીમ દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો ફેલાવાના કારણો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.શ્રી ભરતભાઈ ગોસ્વામીએ રોગોના પ્રારંભિક લક્ષણો ઓળખી સમયસર તબીબી સારવાર લેવાનું મહત્ત્વ સમજાવ્યું હતું.

​ શ્રી હિતેશભાઈ ચૌહાણે દૈનિક સ્વચ્છતા, પૌષ્ટિક આહાર અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના વિવિધ સરળ ઉપાયો વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઘરમાં અને આસપાસના વાસણો કે ખાડાઓમાં ભરાઈ રહેતા સ્થિર પાણીનો યોગ્ય નિકાલ કરવા અને પરિસરને સ્વચ્છ રાખવા ખાસ હાકલ કરવામાં આવી હતી.

​કાર્યક્રમના અંતિમ ચરણમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નો પૂછી પોતાના સંશયોનું નિવારણ કર્યું હતું, જેના મેડિકલ ટીમે સંતોષકારક જવાબો આપ્યા હતા.

​કાર્યક્રમના અંતે આચાર્યાશ્રી ઉષાબેન તેરૈયાએ અર્બન હેલ્થ સેન્ટરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિદ્યાર્થીનીઓને મળેલી આ ઉપયોગી માહિતીને પોતાના ઘરમાં અને આસપાસના વિસ્તારમાં પણ પ્રસારિત કરવા અનુરોધ કર્યો હતો.

Related Posts