અમરેલી

સાવરકુંડલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ભવ્ય ઉજવણી

નવા સંશોધનોની આ ક્ષિતિજ પર નામ લખવું છે,

વિશ્વમાં વિજ્ઞાનનું હવે એવું કામ કરવું  છે.

​હશે અંધારું જો સામે, તો પ્રગટાવીશું દીવો પણ,

સતત મથતા રહી ખુદનું નવું પરિણામ લખવું છે.

–“પાંધી સર”

સાવરકુંડલા શહેરમાં આવેલ જેસર રોડ પર સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં ૨૮ ફેબ્રુઆરી ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ નિમિત્તે એક ભવ્ય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક વિજ્ઞાન યુગમાં થઈ રહેલી નવીનતમ શોધોથી વિદ્યાર્થીઓ અવગત થાય અને તેમની વૈજ્ઞાનિક સૂઝબૂઝ ખીલે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રદર્શનમાં ધોરણ પાંચ થી નવના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાનના વિવિધ સિદ્ધાંતો પર આધારિત આકર્ષક અને નવીન મોડેલો તૈયાર કરવામાં આવ્યા હતા. આ મોડેલો દ્વારા વિદ્યાર્થીઓએ પર્યાવરણ જાળવણી, ટેકનોલોજીનો ઉપયોગ અને રોજિંદા જીવનમાં વિજ્ઞાનનું મહત્વ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું હતું. મુલાકાતીઓએ વિદ્યાર્થીઓની રજૂઆત અને તેમની મહેનતને ખુબ જ બિરદાવી હતી.

શાળાના આ શૈક્ષણિક પ્રકલ્પને સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદદાસજી સ્વામી તથા મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષરમુક્તદાસજી સ્વામીએ આશીર્વાદ પાઠવ્યા હતા. મહાનુભાવો અને શાળાના તમામ શૈક્ષણિક કર્મચારીઓએ વિદ્યાર્થીઓના કૌશલ્યને જોઈ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવ્યા હતા. વિજ્ઞાનના આ ઉત્સવથી સમગ્ર ગુરુકુળ સંકુલમાં જિજ્ઞાસા અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું.

Related Posts