અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકા દ્વારા શહેરના મહત્વપૂર્ણ જાહેર સ્થળોમાંના એક એવા મેઘાણી ટાઉન હોલનું રિનોવેશન કાર્ય પૂર્ણ કરી તેને ફરી શહેરવાસીઓની સુવિધા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે મેઘાણી ટાઉન હોલનું સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને બગસરા-ધારી-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
બગસરા નગરપાલિકા દ્વારા અંદાજે રૂ. ૪૯.૩૫ લાખના ખર્ચે ટાઉનહોલનું આધુનિકીકરણ તથા નવીનીકરણ કરવામાં આવ્યું છે. રિનોવેશન પછી ટાઉનહોલને એરકન્ડિશન્ડ સુવિધા, સુધારેલી આંતરિક વ્યવસ્થા અને આધુનિક સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવ્યો છે, જેથી શહેરમાં વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે વધુ સુવિધાજનક માળખું ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શહેરોના વિકાસ અને જાહેર સુવિધાઓના વિસ્તરણ માટે પ્રતિબદ્ધ છે. આવા વિકાસકાર્યો શહેરના સાંસ્કૃતિક અને સામાજિક જીવનને વધુ પ્રોત્સાહન આપશે અને નાગરિકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે. બગસરા નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૬૨ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. બગસરાના સક્રિય ધારાસભ્યશ્રી અને નગરપાલિકાના નગરસેવકોની આગામી સમયમાં ૭૦૦ સીટનું અત્યાધુનિક નવો ટાઉન હોલ ઊભો કરવાની નેમ છે.
આ પ્રસંગે સાંસદશ્રી ભરતભાઈ સુતરિયાએ પ્રાસંગિક ઉદ્ધોબધન કર્યુ હતું. નગરપાલિકાના સભ્યો તેમજ અગ્રણીશ્રી એ.વી. રીબડીયાએ પાંચ વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો ચિત્તાર રજૂ કર્યો હતો.
કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્ય શ્રીમતિ જ્યોત્સનાબહેન રીબડીયા, ઉપપ્રમુખ શ્રીમતિ ભાવનાબહેન જે. સોનગરા, કારોબારી સમિતિના ચેરમપર્સ શ્રીમતિ મંજુલા બહેન મેર, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, શ્રી ઘનશ્યામભાઈ સાદરાણી શ્રી, પ્રદિપભાઈ ભાખર તેમજ શહેરના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિશ્રી સ્નેહી પરમારે કર્યુ હતું.
















Recent Comments