અમરેલી

નિવૃત કર્મચારીઓ માટે અમરેલી નગરપાલિકાનો ઐતિહાસિક નિર્ણય, 45 નિવૃત કર્મચારીઓને રૂ. 2.80 કરોડની ગ્રેચ્યુટી, હક્કરજા અને એરિયર્સની ચૂકવણી

અમરેલી : અમરેલી નગરપાલિકામાં પેન્શન યોજના અમલમાં ન હોવાથી નિવૃત કર્મચારીઓ માટે નિવૃત્તિ બાદ મળતી ગ્રેચ્યુટી, હક્કરજા અને એરિયર્સની રકમ જ જીવનનિર્વાહનો મુખ્ય આધાર બની રહે છે. આવા સંજોગોમાં લાંબા સમયથી પોતાની હક્કની રકમની રાહ જોતા 45 નિવૃત કર્મચારીઓને કુલ રૂ. 2.80 કરોડની ચૂકવણી કરવામાં આવતા કર્મચારીઓ અને તેમના પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે.

મળતી માહિતી મુજબ, અમરેલી નગરપાલિકાના અનેક નિવૃત કર્મચારીઓને વર્ષોથી ગ્રેચ્યુટી, હક્કરજા અને એરિયર્સ જેવી કાયદેસરની ચૂકવણીઓ બાકી હતી. પેન્શન યોજનાનો લાભ પણ ઉપલબ્ધ ન હોવાથી નિવૃત્તિ બાદ તેમની નિયમિત આવક બંધ થઈ જતી હતી, જેના કારણે જીવનનિર્વાહમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. નિવૃત્તિ બાદ મળતી આ રકમ કર્મચારીઓ માટે ‘મરણમૂડી’ સમાન ગણાય છે.

આ પ્રશ્નને લઈને નિવૃત કર્મચારીઓએ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન સંદીપભાઈ માંગરોળિયા, ઉપપ્રમુખ વિરલભાઈ પોપટ તેમજ કારોબારી ચેરમેન મૌલિક ઉપાધ્યાય સમક્ષ રજૂઆત કરી હતી. રજૂઆતને ગંભીરતાથી લઈને પ્રમુખ દ્વારા ચીફ ઓફિસર વિનોદ રાઠોડનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

ત્યારબાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને 45 નિવૃત કર્મચારીઓને તેમની ગ્રેચ્યુટી, હક્કરજા અને એરિયર્સની મળીને અંદાજે રૂ. 2.80 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. લાંબા સમયથી અટવાયેલી રકમ મળતા નિવૃત કર્મચારીઓ અને તેમના પરિવારમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી હતી.

નિવૃત કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આ રકમ તેમના માટે માત્ર નાણાંકીય સહાય નહીં પરંતુ જીવનની મોટી સુરક્ષા સમાન છે. તેમણે અમરેલી નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ તથા ચીફ ઓફિસરનો આ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમરેલી નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 45 નિવૃત કર્મચારીઓને રૂ. 2.80 કરોડ જેટલી માતબર રકમની ચૂકવણી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેને કર્મચારી હિતમાં લેવાયેલ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

Related Posts