અમરેલી

સાવરકુંડલાની શ્રીમતી વી. ડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે ‘ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ’ની શાનદાર ઉજવણી સંદર્ભે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો

​જાગૃત બનીને સૌ હવે અધિકાર જાણીએ

છેતરામણીની આ દુનિયામાં સાવધ રહી હક્કો માણીએ

​ભેળસેળ અને સાયબરના ભયથી ના ગભરાશો તમે,

કાયદાના આ શસ્ત્રથી સુરક્ષિત સૌને કરીએ 

આ સુરક્ષા ચક્રના ભેદને જનજાગૃતિના માધ્યમ દ્વારા અભેદ કરીએ. 

–“પાંધી સર”

ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા હાલમાં ચાલી રહેલા ‘ગ્રાહક સુરક્ષા જાગૃતિ સપ્તાહ’ અને ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન’ના ઉપલક્ષમાં શહેરની પ્રતિષ્ઠિત શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા અને શ્રીમતી વી. ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજના સંયુક્ત ઉપક્રમે કોલેજના પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ રમેશભાઈ હીરાણી તથા બિપીનભાઈ પાંધીએ ઉપસ્થિત રહી ગ્રાહક અધિકારો અને કાયદાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી પૂરી પાડી હતી. વક્તાઓએ ખાસ કરીને વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ગુનાઓ અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ સામે કેવી રીતે સાવચેતી રાખવી તથા છેતરાયા બાદ કાયદાકીય રક્ષણ કેવી રીતે મેળવવું, તે અંગે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શિત કરી હતી.

​કાર્યક્રમ દરમિયાન ગ્રાહક સુરક્ષાને લગતી ઉપયોગી માહિતી ધરાવતા પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.  આ તકે આ કોલેજના અર્થશાસ્ત્રના લેક્ચરર નયનાબેન કાપડિયાએ કોલેજની વિદ્યાર્થીનીઓ જોગ એક જાહેર સંદેશ દ્વારા જાગૃતિ કેળવી સમાજને ગ્રાહકના અધિકારો વિશે સમાજમાં જાગૃતિ લાવવા સહયોગી થવા સંકલ્પબધ્ધ થવા અનુરોધ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોઓર્ડીનેટર ડો. કે. પી. વાળા સાહેભ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ ડો. રૂકસાનાબેન કુરેશી દ્વારા કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોલેજની વિદ્યાર્થિનીઓએ સંપૂર્ણ શાંતિ અને શિસ્ત જાળવીને કાર્યક્રમની ગરિમા વધારી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના કર્મચારીગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી

Related Posts