જાગી જશો જો આપ તો છેતરી નહિ શકે કોઈ,
હક્કો તમારા હાથમાં છે, ડરી નહિ શકે કોઈ.
વસ્તુ ખરીદતા પહેલાં તપાસો બધે ‘માર્ક’,
જાગૃત જે ગ્રાહક છે એને હરી નહિ શકે કોઈ.
–“પાંધી સર”
આજરોજ તા. ૧૩-૦૩-૨૦૨૬ના રોજ ગાધકડા હાઈસ્કૂલમાં ‘ગ્રાહક સુરક્ષા અધિકાર દિન’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી તથા જાણીતા પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત તમામને ગ્રાહક જાગૃતિ સંદર્ભે વિશદ સમજ આપી હતી. આ સંદર્ભે
ગ્રાહક જાગૃતિના આશયથી શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાના પરિણામો નીચે મુજબ રહ્યા હતા:
નિબંધ સ્પર્ધા: સોલંકી ખુશી એચ. (પ્રથમ)
વક્તૃત્વ સ્પર્ધા: ખુમાણ આરાધના પી. (પ્રથમ)
ચિત્ર સ્પર્ધા: ગોહિલ પ્રિયાંશી આર. (પ્રથમ)
કાવ્ય સ્પર્ધા: નગવાડીયા મયૂરી એસ. (પ્રથમ)
આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવો શ્રી રમેશભાઈ હિરાણી તથા શ્રી બિપીનભાઈ પાંધીના વરદહસ્તે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવેલ. ત્યારબાદ ઉપસ્થિત વકતાઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન ધર્મેશ અને ધાર્મિકે ગ્રાહક સુરક્ષાના હક અને ફરજો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી રમેશભાઈ હિરાણીએ ગ્રાહક સુરક્ષા ધારાની સમજ આપી ગ્રાહકોને છેતરાતા બચવા જાગૃત કર્યા હતા, જ્યારે શ્રી બિપીનભાઈ પાંધીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ગ્રાહક અધિકારોનું મહત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમના અંતે ધોરણ-૯ની વિદ્યાર્થીનીઓ દ્વારા ગ્રાહક જાગૃતિલક્ષી એક આકર્ષક નાટક રજૂ કરવામાં આવ્યું હતું, જેણે સૌના મન મોહી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા શાળાના શિક્ષિકા નયનાબેન તથા ખુશ્બુબેન દ્વારા કરવામાં આવી હતી, જેમાં સેવક શ્રી આનંદભાઈએ સહયોગ આપ્યો હતો. આ સમગ્ર આયોજન શાળાના આચાર્ય શ્રી મલયભાઈ ભટ્ટના કુશળ માર્ગદર્શન હેઠળ સંપન્ન થયું હતું. કાર્યક્રમના અંતે શ્રી હિરેનભાઈ ડાભીએ આભાર દર્શન કર્યું હતું.














Recent Comments