અમરેલી

લોકહૃદયમાં બિરાજતી વિભૂતિઓ શું હવે સરકારી ‘પુરસ્કાર’ની મોહતાજ છે?

ખુદાઈ તારી દૂર નથી, 

જો હું હાથ લંબાવું,

પણ તું આપે ને હું લઉં, 

એ વાત મને મંજૂર નથી.

​જે લોકહૃદયના સિંહાસને 

બેઠા છે જે સદીઓથી,

એમને આ દુન્યવી 

કાગળના ટુકડા મંજૂર નથી

–“પાંધી સર”

 વર્તમાન સમયમાં ‘સેફ્રોન બ્રિગેડ’ અને રાજકારણીઓ દ્વારા જે રીતે આધ્યાત્મિક સંતો અને ધાર્મિક સંસ્થાઓને પદ્મ પુરસ્કારો કે અન્ય સરકારી ખિતાબોથી નવાજવાની મહેચ્છા જાગી છે, તે જોઈને પ્રશ્ન થાય છે કે શું હવે ભગવો ધારણ કરનાર ‘ભેખધારી’ પણ ‘પુરસ્કારધારી’ બનવાના દુન્યવી મોહમાં ફસાશે ? મેસ્લોનું ‘નીડ હાયરાર્કિ મોડલ’ કદાચ હવે સામાન્ય માનવીને બદલે પરમ તત્ત્વની સાધના કરનારાઓને પણ લાગુ પડવા માંડ્યું હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.

​જે વિભૂતિઓએ ખુદ ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે અને લાખો લોકોને સન્માર્ગે વાળ્યા છે, તેમને કોઈ પણ એવોર્ડની લાઈનમાં ઊભા રાખવા એ તેમની ગરિમાનું હનન ન ગણાય? . હનુમાનજી જેવા અજેય શક્તિના પ્રતીકને પદ્મ પુરસ્કારની લાઈનમાં નહીં, પણ વીરતાના સર્વોચ્ચ શિખર પર જોવામાં આવે છે. વિરપુર, બગદાણા, સત્તાધાર કે શિરડી જેવા આસ્થાના કેન્દ્રો કોઈ પણ સરકારી સિક્કા કે પ્રમાણપત્રથી ઘણા પર છે. જ્યારે શ્રદ્ધાળુઓ અજ્ઞાનતાવશ અઢારસો પાદરના ધણી માટે ‘ભારત રત્ન’ની માંગ કરે છે, ત્યારે તે એવોર્ડની કિંમત વધવાને બદલે શ્રદ્ધાની શુદ્ધતા સામે સવાલો ઊભા થાય છે.

​જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના મતે, સનાતન પરંપરામાં શિરપાવ આપવાનો અધિકાર માત્ર સર્વોચ્ચ ધાર્મિક સત્તાને જ હોય છે. રાજકીય મોહ-માયા અને પક્ષાપક્ષીથી પર રહીને જે પરમ બ્રહ્મની સાધના કરે છે, તેમને સંસારી ઉપાધિઓથી કોઈ ફરક પડતો નથી. વાસ્તવમાં તો ધર્મસત્તાએ રાજસત્તાનો કાન આમળવાનો હોય, તેને બદલે અત્યારે રાજસત્તા પોતાના સ્વાર્થ ખાતર ધર્મને પુરસ્કારોના ચોકઠામાં બેસાડી રહી છે.

લોકહૃદય એ જ સર્વોચ્ચ સન્માન

​કૈલાશ કરતા પણ મોટું જો કંઈ હોય તો તે ભક્તોનું હૃદય છે. રામ પંચતત્વમાં વિલીન થયા પછી પણ લોકોના હૃદયમાં વસે છે, તે જ તેમનો સૌથી મોટો એવોર્ડ છે. જે વિભૂતિઓ પહેલેથી જ લોકહૃદયમાં બિરાજે છે, તેમને કોઈ સરકારી મહોરની જરૂર નથી. અંતે તો સવાલ એ જ રહે છે કે, શું આપણે ‘રેશનિંગની લાઈન’ માં ઉભેલા સામાન્ય માનવી છીએ કે પછી પુરસ્કારોના ખોટા મોહમાં રાચનારા પામર જીવો?

તિખારો.. તેરી હૈ જમીં તેરા આસમાઁ તુ બડા રહમદિલ તું બક્ષીસ કર હમ હૈ તેરે ઇલતેજા ઈતની એ માલિક મેરે તું બક્ષીસ કર..એ અંતિમ સત્તાને વંદન.. તત્ત્વ મસિ.. 

Related Posts