અમરેલી

લુવારા ગામમાં વિકાસની ગંગા: સરપંચ અશોકભાઈ બોરીચાના પ્રયાસોથી ₹18.50 લાખની ગ્રાન્ટ મંજૂર

​સાવરકુંડલા તાલુકાના લુવારા ગામમાં વિકાસના કામોને નવી દિશા આપતા ગામના સરપંચ અશોકભાઈ બોરીચાએ ગ્રામજનોની સુવિધા માટે એક જ વર્ષના ટૂંકા ગાળામાં જિલ્લા પંચાયત તેમજ નાણાં પંચમાંથી રૂપિયા સાડા અઢાર લાખ (₹18.50 લાખ) જેવી મોટી રકમની ગ્રાન્ટ મંજૂર કરાવીને વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે.

​સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન અને સહયોગથી લુવારા ગામમાં ગ્રામજનોની પ્રાથમિક અને બુનિયાદી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીચે મુજબના મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે:

​પીવાના પાણીની સુવિધા: સોસાયટી વિસ્તારમાં ₹5 લાખના ખર્ચે અને દાનેવ સોસાયટીમાં ₹3 લાખના ખર્ચે બોર તથા મશીનરીનું કામ.

​શિક્ષણ અને જ્ઞાન માટે: ગામમાં ₹5 લાખના ખર્ચે અધ્યતન લાઇબ્રેરી હોલનું નિર્માણ.

​આંતરમાળખાકીય સુવિધા: ગ્રામજનો અને વાહનવ્યવહારની સુગમતા માટે ₹3 લાખના ખર્ચે કોઝવેનું નિર્માણ.

​સુવિધા અને સૌંદર્યીકરણ: આહિર સમાજની વાડી પાસે ₹2.50 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવાનું કામ.

​એક જ વર્ષમાં ગામમાં આટલા મોટા પ્રમાણમાં પીવાનું પાણી, રસ્તા અને લાઈબ્રેરી જેવા કામો મંજૂર થતાં લુવારા ગામના ગ્રામજનોમાં ખુશીની લહેર ફરી વળી છે.

​ગામના સર્વાંગી વિકાસ માટે સરપંચ અશોકભાઈ બોરીચાની ખંતભરી મહેનત અને લોકઉપયોગી પ્રયાસોને બિરદાવતા ગ્રામજનો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યોએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ આગામી સમયમાં પણ લુવારા ગામના વિકાસ માટે આવા જ પ્રોજેક્ટ્સ લાવતા રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

Related Posts