અમરેલી

પીપાવાવ પોર્ટ ખાતે કર્મચારીઓના પ્રશ્ને ધારાસભ્ય હીરા સોલંકીની મુલાકાત, સ્થાનિક રોજગારી મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા

રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકીએ આજરોજ પોતાના મતવિસ્તાર પીપાવાવ પોર્ટ ખાતે આવેલી ફ્યુચર સંબંધિત ખાનગી કંપનીની મુલાકાત લઈને કર્મચારીઓના વિવિધ પ્રશ્નોની રૂબરૂ માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન તેમણે કંપનીના અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે બેઠક યોજી રોજગાર, કામકાજની સ્થિતિ અને સ્થાનિક યુવાનોને રોજગારીમાં પ્રાથમિકતા આપવા જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

ધારાસભ્યએ જણાવ્યું હતું કે સ્થાનિક યુવાનોને તેમના વિસ્તારની ઔદ્યોગિક સંસ્થાઓમાં યોગ્ય પ્રમાણમાં રોજગારી મળે તે ખૂબ જ જરૂરી છે. આ મુદ્દે કંપનીના અધિકારીઓ સાથે સકારાત્મક વાતચીત કરવામાં આવી છે અને કર્મચારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના યોગ્ય અને વહેલા ઉકેલ માટે જરૂરી પ્રયાસો કરવાની ખાતરી પણ આપવામાં આવી છે.

બેઠક દરમિયાન કર્મચારીઓએ રોજગાર સંબંધિત વિવિધ રજૂઆતો કરી હતી, જેને ગંભીરતાથી સાંભળીને ધારાસભ્યએ અધિકારીઓને સંવેદનશીલ અભિગમ અપનાવી યોગ્ય નિર્ણય લેવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સ્થાનિક લોકોના હિતોનું રક્ષણ કરવું તેમની પ્રથમ જવાબદારી છે અને ભવિષ્યમાં પણ આવા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયાસો કરવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન કંપનીના અધિકારીઓ, કર્મચારીઓ તથા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts