અમરેલી

સાવરકુંડલા એસ.ટી. ડેપોને મળી નવી ૪ બસોની ભેટ: ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ કરાવી પ્રસ્થાન

​નવી આ સફરની હવે 

શરુઆત થઈ ગઈ,

જનતાની સુવિધામાં પણ 

કરામત થઈ ગઈ.

​ખુશીઓ લઈને આવી છે. 

આ નવીન બસો,

સાવરકુંડલાના વિકાસની 

આ વાત થઈ ગઈ.

–“પાંધી સર” 

રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા એસ.ટી. ડેપોને લાંબા રૂટ માટે નવી ૪ અત્યાધુનિક બસોની ફાળવણી કરવામાં આવી છે. આ નવી બસોનું આગમન થતા જ સાવરકુંડલા ડેપોના પ્રાંગણમાં હર્ષોલ્લાસ સાથે તેનું વધામણું કરવામાં આવ્યું હતું.

​આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાસ્ત્રોક્ત વિધિ બાદ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, નવી બસોની સુવિધા મળવાથી આ વિસ્તારના મુસાફરોને હવે વધુ આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીનો લાભ મળશે. ખાસ કરીને લાંબા રૂટ પર મુસાફરી કરતા લોકો માટે આ સરકારની એક મોટી ભેટ સાબિત થશે.

​એસ.ટી. તંત્રના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમથી મુસાફરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. આગામી દિવસોમાં આ નવી બસો નિયત કરાયેલા લાંબા રૂટ પર દોડતી થશે, જેનાથી પરિવહન સેવા વધુ સુદ્રઢ બનશે.

Related Posts