જલાવી જ્ઞાનની જ્યોત,
સેવાનો યજ્ઞ આદર્યો છે,
પુસ્તક બનીને સારથિ,
સૌનો માર્ગ કંડાર્યો છે.
સરસ્વતીના ધામમાં આ
સ્નેહની સરવાણી વહે,
શિક્ષણ તણી આ ભેટથી
ભવિષ્યને શણગાર્યો છે.
–“પાંધી સર”
શ્રી અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કમાણી સાયન્સ અને પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ ખાતે તાજેતરમાં એક પ્રશંસનીય શૈક્ષણિક સેવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. કૉલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. અશોકભાઈ ચંદ્રવાડિયાના માર્ગદર્શન હેઠળ ટી.વાય.બી.એ. સેમેસ્ટર-૬ ના મુખ્ય અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓને પરીક્ષામાં ઉપયોગી થાય તેવા પુસ્તકો અર્પણ કરવામાં આવ્યા હતા.આ ઉમદા કાર્યમાં સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર અને ‘આપણું કુંડલા’ના તંત્રી શ્રી બિપીનભાઈ પાંધીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમના ભાણેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગોલ્ડ મેડાલિસ્ટ પ્રો. તન્વીબેન પુજારા (આસિસ્ટન્ટ પ્રોફેસર, જામનગર કૉલેજ) દ્વારા તૈયાર કરાયેલા ‘સાહિત્ય સારથિ’ શ્રેણીના અંગ્રેજી પેપર ૧૪, ૧૫ અને ૧૬ ના પુસ્તકો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભેટ આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાલક્ષી મટિરિયલ ઇન્દોરથી પબ્લિશ કરવામાં આવ્યું છે.
કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. ચંદ્રવાડિયાએ પ્રો. તન્વીબેન પુજારા અને શ્રી બિપીનભાઈ પાંધીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પુસ્તકો વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ કાર્યને સફળ બનાવવા માટે અમરેલી ખાતે આવેલ માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજના ડૉ. એમ. જે. પટોળિયા, સાવરકુંડલા કાણકિયા કોલેજના ડૉ. દેસરાણી સાહેબે મધ્યસ્થી કરી મટિરિયલ પહોંચાડવામાં મહત્વનો સહયોગ આપ્યો હતો. સમગ્ર સ્ટાફ પરિવારે પણ આ આયોજનને બિરદાવ્યું હતું.


















Recent Comments