અમરેલી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દેવકા વિદ્યાપીઠના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલયના અદ્યતન સુવિધાસભર બિલ્ડિંગનું લોકાર્પણ

વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. આ અન્વયે રાજુલા તાલુકાના દેવકા ગામ સ્થિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીશ્રીએ સંસ્થાના પરિસરમાં નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલય અને ભોજનાલયના નૂતન બિલ્ડિંગનું તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં કન્યા કેળવણી માટેનો મજબૂત પાયો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે નાખ્યો હતો. સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા રાજ્યમાં કાર્યરત છે.

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સફળગાથા પર પ્રકાશ પાડતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ થકી દીકરીઓનો શાળા ડ્રોપ આઉટ રેશીયો ઘટીને ૨ ટકા જેટલો નીચે આવ્યો છે.

વિકસિત ગુજરાતની સફરમાં શિક્ષણ ક્ષેત્રે અનેક આયામો સર કરવામાં આવ્યા છે.  રાજ્યમાં અત્યારસુધીમાં ‘નમો લક્ષ્મી’ યોજના હેઠળ ૨૧.૩૪ લાખ દીકરીઓને રૂ. ૧,૪૩૮ કરોડની સહાયનો લાભ પહોંચાડવામાં આવ્યો છે. ઉપરાંત નમો સરસ્વતી’ યોજના હેઠળ ૨.૯૬ લાખ વિદ્યાર્થીઓને રૂ. ૨૨૦ કરોડની સહાય રકમ સીધી જ તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને ગેમ ચેન્જર તરીકે વર્ણવતા જણાવ્યું કે, ગુજરાતની દીકરીઓ શિક્ષણ સહિત રમતગમત, સ્ટાર્ટઅપ, સંશોધન અને વહીવટ સહિતના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે.

દેવકા વિદ્યાધામમાં શિક્ષણની સાથે જીવનઘડતર  અને ચરિત્ર નિર્માણ, ગીતા પાઠ, સંસ્કાર સિંચન જેવા રાષ્ટ્રીય મૂલ્ય નિર્માણના શિક્ષણયજ્ઞને મુખ્યમંત્રીશ્રીએ એક અદ્વિતીય પ્રશંસનીય કામગીરી તરીકે બિરદાવી હતી અને પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને દેવકા વિદ્યાધામને અભિનંદન પાઠવ્યા હતા.

દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીશ્રીનું પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને ટ્રસ્ટીશ્રીઓ, ચાપરડા ગુરુકુળ સંચાલક શ્રી મુક્તાનંદ બાપુએ ઉમળાભેર સ્વાગત કર્યું હતું.

પ્રાસંગિક ઉદ્બોધન કરતાં ભાગવદ્ કથાકાર પૂ.ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ તેમની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રનું ભવિષ્ય તે રાષ્ટ્રના બાળકો છે. આપણે આપણી શિક્ષણ વ્યવસ્થામાં નબળું પ્રદર્શન કરતાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પ્રતિભાને ખીલવવાનું કાર્ય કરવા માટે તૈયાર થવું જરૂરી છે. શિક્ષણ થકી જ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ નિર્માણ પામે છે.

પૂ. ભાઈશ્રીએ ભારતની ક્ષમતાઓને વિશ્વની શ્રેષ્ઠ ક્ષમતાઓ તરીકે બિરદાવતા ઉમેર્યું કે, ભારત આજે વિશ્વ ફલક પર અગ્રગણ્ય ભૂમિકા અદા કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૨માં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે દેવકા વિદ્યાપીઠનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પિત થયેલ દેવકા વિદ્યાધામના નવનિર્મિત કન્યા છાત્રાલય અને ભોજનાલય બિલ્ડિંગ એક સુવિધાસભર વ્યવસ્થા છે, દાતાશ્રીઓના અપાર પ્રેમ અને સહયોગથી આ નૂતન બિલ્ડિંગો આકાર પામ્યા છે. નવનિર્મિત ગર્લ્સ હોસ્ટેલમાં કુલ ૧,૧૦૦ બેડની વ્યવસ્થા અને અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે અને ભોજનાલય બિલ્ડિંગમાં ૫૮૦ વિદ્યાર્થિનીઓની ક્ષમતા સાથે અદ્યતન કિચન અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ સુવિધાઓના કારણે ગ્રામ્ય વિસ્તારની દીકરીઓને વધુ સારી રહેઠાણ અને ભોજનની સુવિધા સાથે શિક્ષણ પ્રાપ્ત કરવાની વધુ તકો ઉપલબ્ધ બનશે.

આ પ્રસંગે જળસંપતિ મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, રાજ્ય કક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

દેવકા વિદ્યાપીઠ ગર્લ્સ હોસ્ટેલ અને ભોજનાલય નૂતન બિલ્ડિંગ લોકાર્પણ પ્રસંગે દેવકા વિદ્યાપીઠ શ્રી સૂર્યકાન્ત ઓઝા, ગૌતમભાઈ ઓઝા સહિતના ટ્રસ્ટીશ્રીઓ,

ચાપરડા ગુરુકુળ સંચાલક શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts