અમરેલી તાલુકાના સણોસરા મુકામે ૮૫ ગામોના તળાવો ઊંડા કરવાની કામગીરીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામમયી ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (જેટકો)ના સી.એસ.આર ફંડથી, ગીર ગંગા ટ્રસ્ટના સહયોગ દ્વારા અમરેલી તાલુકાના ૬૫ અને અન્ય ૦૪ વિધાનસભાના ૨૦ કુલ મળીને ૮૫ ગામોમાં તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”ના કાર્યમંત્ર સાથે ગામ અને ગામની વિચારધારા એકજૂટ થઈને એક દિશામાં આગળ વધતી હોય છે ત્યારે નક્કર પરિમાણો મળે છે. વડાપ્રધાનશ્રીનું હરહંમેશ કહેવું છે કે, નાગરિકો, એન.જી.ઓ અને સંસ્થાઓ જ્યારે સરકાર સાથે મળીને કામ કરે છે ત્યારે વિકાસની ગતિ બેવડાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રવાસીઓએ પાણીની સમસ્યાઓ જોઈ છે પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ “સૌની યોજના” થકી આ સમસ્યા ભૂતકાળ બની છે. આપણે સૌએ ભવિષ્યનો વિચાર કરીને પાણીના વપરાશ સાથે જળ સંરક્ષણના ભગીરથ કાર્યમાં આગળ વધવું પડશે. ખેડૂત બંધુઓ માટે પાણી અને ખેતી બંને મહત્વના છે. દેશભરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરેલી જળ સંચય અને પ્રાકૃતિક ખેતીની મુહિમમાં જોડાઈ ખેડૂતોએ રાસાયણિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિ તરફ વળવું જોઈએ.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીની કામગીરીને બિરદાવતાં કહ્યું હતું કે, કંપનીની જવાબદારી ગામે ગામે ઉર્જા સુનિશ્ચિત કરવાની અને ઘરે ઘરે વિજળી પહોંચાડવાની છે. પરંતુ સી.એસ.આર હેઠળ પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે કંપનીએ સૌરાષ્ટ્ર વિસ્તારની પાણીની સમસ્યા ઉપર કામ કર્યું છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સાર્થક કરવા આપણે વિકસિત ગુજરાત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લાના વિકાસ માટે એકપણ કામ બાકી નહીં રહે,પરંતુ વિકાસ કાર્યોની ગુણવત્તા જળવાવી જોઈએ, તેમજ આયોજનબદ્ધ રીતે રજૂ કરેલા જિલ્લાના વિકાસના દરેક કામો મંજૂર કરવાની મુખ્યમંત્રીશ્રીએ ખાત્રી આપી હતી.
ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, અમરેલી જીલ્લામાં વરસાદના પાણી દરિયામાં વહી જતાં હતા ત્યારે અમરેલી તાલુકાના ૬૫ અને જિલ્લાના ૮૫ ગામોમાં જળ સિંચનની ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ચીંધેલા જળ બચાવો અભિયાનને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ ઝૂંબેશનો ખર્ચ રાજ્ય સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની જેટકો એજન્સી દ્વારા આપવામાં આવશે. ખેડૂતને જો પાણી મળે તો કણમાંથી મણ પેદા કરવાની ક્ષમતા રાખે છે. આ તમામ ગામમાં ૬૦૦ કલાક જેસીબી હિટાચી મશીન તળાવ ઊંડા કરવાની કામગીરી કરશે. એક સમય હતો કે સૌરાષ્ટ્રમાં પાણી માટે બેડા યુદ્ધ થતું પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના થકી સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ને ભૂતકાળ બનાવ્યો. આ કડી ને આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સૌની યોજનાના પાણી પાઈપલાઈથી જોડવાની મર્યાદા ૦૩ કીલોમીટરથી વધારી અને ૦૭ કિલોમીટર સુધી કરતાં અમરેલી જિલ્લાના અનેક ગામને લાભ મળશે. જિલ્લાના પાંચેય ધારાસભ્યશ્રીઓની માગ ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી એ રૂ. ૮૦૦ કરોડના ખર્ચે ધોળી ધજા ડેમથી ૨૮ કિલોમીટર લાંબી પાઇપલાઇન બનાવી સૌની યોજના ના પાણીથી જોડવાની મંજૂરી આપી છે જેથી અમરેલી જિલ્લાને તેનો લાભ મળશે.
આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી કાળથી સૌરાષ્ટ્રની દુષ્કાળની સમસ્યા નો હલ લાવી અને સૌરાષ્ટ્રને પાણીદાર અને હરીયાળુ બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે. આ પ્રયાસના આગળ ધપાવતા બોરીબંધ, ચેકડેમ અને નદીઓને નર્મદાના નીરથી પાઇપલાઇન વડે જોડી અને જીવંત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના અંતર્ગત ૧૧૫ ડેમોને નર્મદાના નીરથી જોડવાનું કામ પૂર્ણતાના આરે છે. અમરેલી જિલ્લામાં ૪૯ નાની સિંચાઇ યોજનાઓ અને સાત મધ્યમ સિંચાઇ યોજનાઓ થકી ભૂગર્ભજળ ઊંચા લાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાણીને પ્રાધાન્ય આપી જળ સિંચનના કાર્યોને અગ્રતા આપી છે. અમરેલી જિલ્લાના ૮૫ ગામોમાં જેટકોના અનુદાન અને ગીરગંગા ટ્રસ્ટના ટેકનિકલ સહયોગ થકી તળાવો ઊંડા કરવાનો નૂતન પ્રયાસ કરવામાં આવ્યો છે જેનાથી ખેતી ને લાભ થશે.
કાર્યક્રમના પ્રારંભે, જેટકોના મેનેજિંગ ડિરેક્ટરશ્રી ઉપેન્દ્ર પાંડે, ઇકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગીરગંગા ટ્રસ્ટના શ્રી દિલીપભાઈ સખીયા, અગ્રણી શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી અતુલભાઇ કાનાણી સહિતના મહાનુભાવો એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે મહિલાઓ એ જળ કળશ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો એ પ્રતિકાત્મક કળશમાં જળ અર્પણ કરી અમરેલી તાલુકાના જળસંચય અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમમાં સંગઠન અને ગીરગંગા ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું અનેકવિધ મોમેન્ટો થકી બહુમાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પાંચ ગામના સરપંચશ્રીઓને જેસીબી મશીનની પ્રતિકૃતિ આપી અને તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારી-બગસરા-ખાંભા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી, જે.વી.કાકડિયા, સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી, મહેશભાઈ કસવાલા, લાઠી – બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી, જનકભાઈ તળાવીયા, જેટકોના મેનેજિંગ ડિરેક્ટરશ્રી પાંડે, જિલ્લા કલેકટરશ્રી, વિકલ્પ ભારદ્વાજ, ગીરગંગા ટ્રસ્ટનાશ્રી દિલીપભાઈ સખીયા, અગ્રણીશ્રી, અભયસિંહ ચૌહાણ, શ્રી,અતુલભાઇ કાનાણી, શ્રી,મયુરભાઈ માંજરીયા, શ્રી,રાજુભાઈ ભૂતૈયા, શ્રી,સુરેશભાઈ પાથર, શ્રીzકિશોરભાઈ કાનપરિયા, શ્રી ચેતનભાઇ ધાનાણી, શ્રી મધુભાઈ હરખાણી, સણોસરા ના સરપંચશ્રી, પ્રવીણભાઈ દેવાણી, આસપાસના ગામના સરપંચશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments