અમરેલી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ અન્વયે અમરેલી જિલ્લામાં કુલ ૦૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તથા કુલ ૧૧ તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા. ૨૬.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે ઉપરાંત મતગણતરી તા. ૨૮.૦૪.૨૦૨૬ના રોજ યોજાશે.

આદર્શ આચારસંહિતા અમલ માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ની પેટા કલમો હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોઈપણ ઉમેદવાર, વ્યક્તિઓ દ્વારા ધ્વજ,બેનર્સ,હોર્ડીંગ્સ, કટઆઉટ્સ કે અન્ય પ્રચારના સાધનો બોર્ડ વિગેરે કોઈપણ જાહેર જગ્યાએ તેમજ રસ્તા ઉપર મુકી શકાશે નહીં, બેનર્સ વગેરે લગાવવા માટે સત્તાધિકારીશ્રીની મંજૂરી મેળવવાની રહેશે. આ અંગેનો ખર્ચ જે વિસ્તારમાં હોર્ડીંગ્સ, કટઆઉટ્સ વગેરે મુકેલ હશે તે વિસ્તારના ઉમેદવારના ચૂંટણી ખર્ચના હિસાબોમાં યોગ્ય જગ્યાએ દર્શાવવાનો રહેશે. જાહેર, ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા, પોસ્ટર ચોંટાડવા,પ્રચાર સામગ્રી ચોંટાડવા માટે સંબંધિત કાયદાઓનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

ઉમેદવાર, ઉમેદવારીપત્રો ભરવા કે ચકાસણીમાં હાજરી આપવા કે ચૂંટણી પ્રતિકની ફાળવણીની પ્રક્રિયામાં હાજરી આપવા માટે જાય ત્યારે મોટા સરઘસ આકારે જવું નહીં. જ્યાં એક પક્ષે સભાઓ યોજી હોય એવા સ્થળોએ બીજા પક્ષે સરઘસ લઈ જવું નહીં. ચૂંટણી કમિશન તરફથી થયેલ હુકમ મુજબ કોઈપણ સંજોગોમાં ત્રણ કરતા વધુ સુરક્ષા વાહનો ધરાવતો કાફલો કેન્દ્રના અથવા રાજ્ય સરકારના કોઈ મંત્રીએ લઈ જવા નહીં તેમજ રાજકીય પક્ષ કે ઉમેદવાર કે ચૂંટણી એજન્ટે ચૂંટણીના પ્રચાર માટે કાફલામાં ત્રણથી વધુ વાહનો એકી સાથે લઈ જઈ શકશે નહીં. પ્રચાર વખતે ડોર ટુ ડોર કેમ્પેઈન માટે પાંચથી વધુ વ્યક્તિઓ (ઉમેદવારની સિક્યુરિટીને બાદ કરતા) જઈ શકશે નહીં. છટાદાર ભાષણો કે ચાળા પાડવા પર પ્રતિબંધ રહેશે. ચૂંટણી દરમિયાન કોઈપણ જનસમૂહ કે કોઈપણ રાજકીય પક્ષકારો ભેગા થઈ જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ટોળાના રૂપમાં કે સમૂહમાં કોઈપણ રીતે એકઠા થઈને આવેદનપત્રો આપવાના બહાને કે સરઘસના રૂપમાં એકઠા થઈ રેલી કાઢતા હોય, જેથી ચારથી વધુ વ્યક્તિઓ એકીસાથે સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. સભા કે સરઘસ માટે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીની કચેરીમાંથી પરવાનગી મેળવવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ના ભંગ માટે આ જ એક્ટની કલમ ૧૩૧ તથા કલમ ૩૭ના ભંગ બદલ આ જ એક્ટની કલમ ૧૩૫ હેઠળ સજાને પાત્ર છે. આ હુકમ જિલ્લાની કુલ ૧૭ નગરપાલિકાઓ તથા જિલ્લા અને તાલુકા પંચાયતની યોજાનાર સામાન્ય, પેટા ચૂંટણીમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં તા. ૩૦.૦૪.૨૦૨૬ સુધી અમલમાં રહેશે.

Related Posts