અંધકારને ચીરીને જગમાં,
રોશની રેલાવી દીધી,
સેવા તણા આ યજ્ઞમાં,
આંખો મિલાવી દીધી.
–“પાંધી સર”
માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા સાવરકુંડલા મુકામે તારીખ ૨૩/૦૪/૨૦૨૬, ગુરુવારના રોજ શ્રી સદ્દગુરુ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સંચાલિત સુદર્શન નેત્રાલય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ભવ્ય વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણિ આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારણદાસ સાહેબ તથા અરુણલાલ સાહેબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક સેવા સંસ્થાન શ્રી બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી વિશાલ વ્યાસ અને માધવ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જગદીશભાઈ જેઠવા અને જિતેનભાઇ હેલૈયાએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ કેમ્પમાં આંખના વિવિધ રોગોથી પીડાતા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં કુલ ૭૨ દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો હતો. જેમાંથી ૧૪ દર્દીઓને મોતીયાના ઓપરેશનની જરૂર જણાતા, તેઓને સુદર્શન નેત્રાલય દ્વારા વિનામૂલ્યે ઓપરેશન અને નેત્રમણિ બેસાડવા માટે પસંદ કરવામાં આવ્યા હતા.
સુદર્શન નેત્રાલયના અતુલભાઈ દવે, નિલેષભાઈ ભીલ અને હિંમતભાઈ કાછડીયા સહિતના સ્ટાફે પોતાની નિષ્ણાત સેવાઓ આપી હતી. આ સાથે જ કબીર ટેકરીના સમર્પિત સ્વયંસેવકોએ ખંતપૂર્વક વ્યવસ્થા જાળવી સેવા પૂરી પાડી હતી.
નોંધનીય છે કે આ સેવાકીય પ્રવૃત્તિ કોઈ સાધારણ આયોજન નથી, પરંતુ છેલ્લા ૧૮ વર્ષથી દર મહિનાના ચોથા ગુરુવારે નિયમિતપણે આ કેમ્પ યોજાય છે. આ અવિરત સેવાને કારણે અનેક જરૂરિયાત મંદ લોકોના જીવનમાં દ્રષ્ટિનો પ્રકાશ ફેલાયો છે.

















Recent Comments