અમરેલી

જનસેવા એ જ સર્વોપરી: સાવરકુંડલાના વોર્ડ નં-૬ માં ધર્મેન્દ્ર મહેતાની ભવ્ય જીત

​હશે આંધી ભલે મોટી, 

પણ જે સેવામાં જીવે છે,

અજેય એ જ રહે છે જે, 

સતત જનતામાં જીવે છે.

​નથી પક્ષોનું આ જોર, 

આ તો ખુદના કામની શક્તિ,

ખરાં જે લોકસેવક છે, 

એ સદાય હૈયામાં જીવે છે.

–“પાંધી સર”

રાજકારણમાં જ્યારે પક્ષનું જોર અને વિચારધારાના વંટોળ ફૂંકાતા હોય, ત્યારે પાયાના કાર્યકરની મહેનત શું કરી શકે તેનું જીવંત ઉદાહરણ સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીમાં જોવા મળ્યું છે. વોર્ડ નંબર-૬ માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ધર્મેન્દ્ર મહેતાએ સાબિત કરી દીધું છે કે, જો જનપ્રતિનિધિના હૈયે સાચા અર્થમાં લોકહિત હોય, તો કોઈ પણ રાજકીય આંધી તેને હરાવી શકતી નથી.

ધર્મેન્દ્ર મહેતા અગાઉની ટર્મમાં ભાજપના સદસ્ય તરીકે વિજેતા થયા હતા. જોકે, પક્ષની નીતિ-રીતિ સામે અસંમતિ દર્શાવી તેમણે આ વખતે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. સામાન્ય રીતે પક્ષ બદલ્યા પછી ઉમેદવાર માટે જીતવું કપરૂં હોય છે, પરંતુ મહેતાએ માત્ર પોતાના કામના જોરે મતદારોનો વિશ્વાસ જીત્યો છે.

ચૂંટણી પ્રચાર દરમિયાન કોઈ પણ પ્રકારના આડંબર વગર તેમણે મતદારોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જો મેં તમારા વિસ્તારના જાહેર સેવાના કામો કર્યા હોય તો જ મને મત આપજો.” આ નિખાલસ અપીલે મતદારોના દિલ જીતી લીધા અને પરિણામ સ્વરૂપે તેમને વિજયી બનાવ્યા. આ જીત એ વાતની સાક્ષી પૂરે છે કે લોકશાહીમાં પક્ષ કરતાં પણ ઉમેદવારની નિષ્ઠા અને તેના લોકસેવાના કાર્યો જનતાની નજરમાં વધુ કિંમતી હોય છે.

Related Posts