અમરેલી

માનવતાની મહેક: સાવરકુંડલામાં બે દાયકાથી અવિરત વહેતી શીતળ જળધારા

તરસ્યા ગળાને તૃપ્ત કરે 

એ જ સાચી બંદગી છે,

નામના મોહ વિના વહે, 

એ જ સાચી જિંદગી છે.

​કુંડલાની આ ધરા પર 

માનવતા મહેકી ઉઠી,

હનુમાનજીના નામે અહીં 

વહેતી અખંડ જળધારા છે.

​–“પાંધી સર”

ઉનાળાની શરૂઆત થતાં જ જ્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ હોય છે અને તાપમાન ૪૫ ડિગ્રીની સપાટી વટાવી જાય છે, ત્યારે તરસ્યા ગળાને તૃપ્ત કરવાથી મોટું કોઈ પુણ્ય નથી. સેવાભાવી નગરી તરીકે જાણીતા સાવરકુંડલામાં આવી જ એક અદભુત, પ્રેરણાદાયી અને નિઃસ્વાર્થ જળસેવા છેલ્લા બે દાયકા (૨૦ વર્ષ) થી અવિરતપણે ચાલી રહી છે.

​સાવરકુંડલાના વ્યસ્ત એવા રજકા પીઠ વિસ્તારમાં, નદી બજારમાં આવેલા મહાવીર એગ્રોની બિલકુલ સામે દર વર્ષે ચૈત્ર માસ એટલે કે ઉનાળાની શરૂઆતથી લઈને અષાઢ માસમાં ચોમાસાના પ્રારંભ સુધી આ ઠંડા પાણીનું પરબ રાત-દિવસ કાર્યરત રાખવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિની સૌથી મોટી અને પ્રશંસનીય વિશેષતા એ છે કે, આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો નાની અમથી સેવા પાછળ મોટો પ્રચાર કરતા હોય છે, ત્યારે આ પરબ કોઈ પણ વ્યક્તિગત નામ કે આર્થિક લાભના પ્રચાર-પ્રસાર વિના, માત્ર અને માત્ર ‘શ્રી સૂર્યમુખી હનુમાનજી મહારાજ’ ના પવિત્ર નામથી જ શ્રદ્ધાપૂર્વક ચલાવવામાં આવે છે.

​કાળઝાળ ગરમીના દિવસોમાં આ માર્ગ પરથી પસાર થતા હજારો રાહદારીઓ, મજૂરો, વાહનચાલકો અને પશુ-પંખીઓ સહિતના તમામ જીવમાત્ર આ પરબનું કાળજીપૂર્વક રાખેલું શીતળ જળ પીને તૃપ્તિનો અહેસાસ કરે છે અને ગરમીમાં મોટો હાશકારો અનુભવે છે.

​કોઈપણ જાતના નામના મોહ વગર છેલ્લા ૨૦ વર્ષથી સતત વહી રહેલી આ જળધારા ખરેખર વંદનિય છે. આ ભગીરથ કાર્ય સાવરકુંડલાની ગૌરવશાળી સેવાની પરંપરાને વધુ ઉજાગર કરે છે અને સમાજમાં અન્ય સંસ્થાઓ તથા યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડે છે.

Related Posts