અમરેલી

સાવરકુંડલામાં વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭ અંગે પ્રશિક્ષણ બેઠક સંપન્ન: અમરેલી કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તંત્ર સજ્જ

ગણતરી દેશના હરેક નાગરિકની                       થાય એવી આશ રાખું છું,

નકશામાં ભવિષ્યના ભારતનો હું                    સચોટ ઇતિહાસ રાખું છું.

​ફરજ રાષ્ટ્રની નિભાવવા નિકળ્યા છે                  સૌ સાવરકુંડલાવાસીઓ,

ભૂલ વિનાના એ આંકડાઓમાં                         હું દેશનો વિકાસ રાખું છું.

–“પાંધી સર”

સમગ્ર ભારતમાં આગામી સમયમાં યોજાનારી વસ્તી ગણતરી ૨૦૨૬-૨૭ અંતર્ગત અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન અનુસાર સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વસ્તી ગણતરીની આ કામગીરી કોઈ પણ ક્ષતિ વિના અને સંપૂર્ણ સફળતાપૂર્વક પાર પડે તેવા હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ તાલીમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

​સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના ચાર્જ અધિકારી અને ચીફ ઓફિસરશ્રી સાવનકુમાર સતાણીના અધ્યક્ષ સ્થાને આ બેઠક સ્થાનિક કે. કે. હાઇસ્કૂલના સભાખંડ ખાતે યોજાઈ હતી. રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ કાર્યને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે મીટિંગ દરમિયાન ઉપસ્થિત તમામ ગણતરીકારો (Enumerators) અને સુપરવાઇઝરોને માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિસ્તૃત અને ઝીણવટભરી સમજણ આપવામાં આવી હતી. વસ્તી ગણતરી દરમિયાન ફોર્મ કેવી રીતે ભરવા, ટેકનોલોજી અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરવો, અને નાગરિકો પાસેથી સચોટ વિગતો કઈ રીતે મેળવવી તે અંગે લાઈવ ડેમોન્સ્ટ્રેશન સાથે તાલીમ આપવામાં આવી હતી.

​આ પ્રસંગે ચાર્જ અધિકારીશ્રી સાવનકુમાર સતાણીએ જણાવ્યું હતું કે, “વસ્તી ગણતરી એ દેશના ભવિષ્યની યોજનાઓ ઘડવા માટેનો પાયો છે. આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન દાખવતા, દરેક ગણતરીકાર દેશભક્તિની ભાવના સાથે રાષ્ટ્રના આ મહાઅભિયાનમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે અને સાવરકુંડલા વિસ્તારમાં સો ટકા ચોકસાઈ સાથે કામગીરી પૂર્ણ થાય તે અનિવાર્ય છે.”

​આ મીટિંગમાં નગરપાલિકાના કર્મચારીઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ તેમજ વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા તમામ ચાવીરૂપ સ્ટાફના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય ફરજને સફળ બનાવવાનો સંકલ્પ લીધો હતો.

Related Posts