અમરેલી

પુરુષોત્તમ માસના પ્રારંભે સાવરકુંડલાના બુદ્ધનાથ મહાદેવ મંદિરે સર્જાયો ચમત્કાર: પૂજન દરમિયાન વૃક્ષ પરથી નાગદેવતા પ્રગટ્યા

​ધૂન સાંભળીને વડલા પરથી                       સરકી આવ્યા નાગરાજ,

ભક્તિના એ પૂજનમાં જાણે                       આશીષ દેવા આવ્યા નાગરાજ.

–“પાંધી સર”

પવિત્ર પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે જ સાવરકુંડલા શહેરમાં શ્રદ્ધા અને પ્રકૃતિનો એક અનોખો સમન્વય જોવા મળ્યો છે. શહેરના હાથસણી રોડ પર આવેલ શિવ શક્તિ સોસાયટી સ્થિત પ્રકૃતિના સાનિધ્યથી ભરપૂર એવા બુદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આજે સવારથી જ ભક્તો દ્વારા પૂર્ણ આસ્થા સાથે ભગવાન પુરુષોત્તમજીનું પૂજન-અર્ચન કરવામાં આવી રહ્યું હતું, ત્યારે એક અણધારી અને અલૌકિક ઘટના ઘટી હતી.

મંદિરના પ્રાંગણમાં આવેલા એક વિશાળ વડના વૃક્ષ નીચે જ્યારે ભાવિકો એકત્રિત થઈને કાંઠા ગોર ભગવાન પુરુષોત્તમજીની પૂજામાં લીન હતા અને “પેલું આંબડું જાંબુડું કેરી ને કોઠીમડું…” વાળું પરંપરાગત ભક્તિ ગીત ભાવ અને ઉમંગ સાથે ગાઈ રહ્યા હતા, બરાબર એ જ સમયે વડના વૃક્ષ પરથી એક સાપ સીધો એ જ પાવન ભૂમિ પર પટકાયો જ્યાં પૂજા ચાલી રહી હતી. આ અદ્ભુત ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી તરીકે સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર શ્રી બિપીનભાઈ પાંધી પોતે ત્યાં ઉપસ્થિત રહ્યા હતા.

​કોઈને નુકસાન નહીં, ભક્તોએ માન્યો ચમત્કાર

આટલી મોટી સંખ્યામાં ભાવિકજનો હોવા છતાં, નાગદેવતાએ કોઈને પણ સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના, ભક્તોનો ભાવ સ્વીકારતા હોય તેમ સડસડાટ પાછા વૃક્ષ પર ચડી ગયા હતા. ઉપસ્થિત ભાવિકોમાં એવી દ્રઢ શ્રદ્ધા જોવા મળી હતી કે ખુદ ભગવાન નાગદેવતા પુરુષોત્તમ માસના પ્રારંભે આશીર્વાદ આપવા અને દર્શન કરવા પધાર્યા છે.

આ સંદર્ભે સ્થાનિક સર્પવિદ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સાંપ્રત સમયમાં અસહ્ય ગરમીના કારણે સાપ અવારનવાર ઠંડક માટે વૃક્ષો પર આશરો લેતા હોય છે. તેમણે વધુમાં દાવો કર્યો કે, આ સાપ ત્રાંબા જેવા રંગનો અને છાતીના ભાગે સફેદ રંગ ધરાવતો ‘સુંદરી’ (Ornate Flying Snake / Trinket) સાપ હોઈ શકે છે, જે સંપૂર્ણપણે બિનઝેરી હોય છે.

ઘટનાને પગલે મંદિરના પૂજારી મેહુલબાપુએ ત્વરિત પગલાં ભરીને બે-ત્રણ સર્પ પકડનારા મહાનુભાવોનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને સાપને સુરક્ષિત રીતે દૂર કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સાપ વૃક્ષ પર ખૂબ ઊંચે ચડી ગયો હોવાના કારણે તેનું રેસ્કયુ કરી શકાયું ન હતું.

​એકંદરે, સાવરકુંડલામાં પુરુષોત્તમ માસનો મંગલ પ્રારંભ ધાર્મિક ઉત્સાહ અને પ્રકૃતિના આ અદ્ભુત ‘સર્પ દર્શન’ ના ચમત્કાર સાથે થયો છે, જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Related Posts