હટાવીને ખુદના આશિયાના,
કાયદાનું માન રાખ્યું છે,
હવે જોવાનું એ કે તંત્ર, માનવતાનું શું રાખે છે?
નજર ના બગડે કોઈની ફરી
આ કિંમતી જમીન પર,
એટલે જ તો લોકહિત કાજે એને પતરામાં રાખ્યું છે.
–“પાંધી સર”
સ્થાનિક વહીવટી તંત્ર અને કાયદાના આદેશને માન આપીને સાવરકુંડલા શહેરમાં એક મોટો અને હકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. નગરના હાર્દ સમાન રિધ્ધિ સિધ્ધિનાથ ચોકથી લઈને રજકાપીઠ સુધીની પાલા બજારમાં વર્ષોથી રહેલા દબાણો આખરે દૂર કરવામાં આવ્યા છે. કોર્ટના આદેશનું સન્માન કરીને પાલા ધારકોએ પોતે જ સ્વૈચ્છિક રીતે પોતાના પાલા હટાવી લેતા તંત્રનો માર્ગ મોકળો બન્યો હતો. ત્યારબાદ તંત્ર દ્વારા તાકીદે એક્શન મોડમાં આવીને આ વિસ્તારમાં રહેલા પાકા ઓટલા તેમજ અન્ય બિનજરૂરી બાંધકામો પર જેસીબી ફેરવી સંપૂર્ણ વિસ્તાર ખુલ્લો કરવામાં આવ્યો છે.
સોનાની લગડી જેવી જમીન પર રિવરફ્રન્ટની શક્યતા, સુરક્ષા માટે ફેન્સિંગ
આ કિંમતી જમીન ફરીથી દબાણનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા હાલમાં પતરા આડા કરીને આખા વિસ્તારને રક્ષિત (ફેન્સિંગ) કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરીજનોમાં ચર્ચા છે કે, આ ખાલી થયેલી સોનાની લગડી જેવી કરોડોની જમીન પર આગામી સમયમાં મહત્વકાંક્ષી ‘રિવરફ્રન્ટ પ્રોજેક્ટ’ આકાર લઈ શકે છે. જો કે, બુદ્ધિજીવીઓનું માનવું છે કે માત્ર પતરા લગાવી દેવાથી આ જમીન કાયમ માટે સુરક્ષિત નહીં રહે. આ જગ્યા લોકહિતના કામમાં જ વપરાય તે માટે તંત્રએ કોઈ ઠોસ યોજના બનાવવી પડશે અને તેની સુરક્ષા માટે ચોક્કસ અધિકારીઓની જવાબદારી ફિક્સ કરવી અનિવાર્ય છે.
રોજગાર ગુમાવનારા પાલા ધારકો પ્રત્યે માનવતાવાદી અભિગમની માંગ
બીજી તરફ, કાયદાનું પાલન કરીને પોતાના ધંધા-રોજગાર સ્વૈચ્છિક રીતે સમેટી લેનારા નાના પાલા ધારકો હાલ બેરોજગાર બન્યા છે. પરિવારનું ગુજરાન ચલાવતા આ શ્રમિકો પ્રત્યે તંત્ર માનવતાવાદી અભિગમ દાખવે તેવી લોક માંગ ઉઠી છે. શહેરના પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચા છે કે, આ વિસ્થાપિત પાલા ધારકો ફરીથી પોતાના પગભર થઈ શકે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અથવા ચોક્કસ જગ્યા ફાળવવામાં આવે, જેથી કાયદાનું પાલન કરનારા ગરીબ પરિવારો ભૂખમરાનો ભોગ ન બને.


















Recent Comments