અમરેલી

વૈશ્વિક ઇંધણ કટોકટી વચ્ચે ચલાલા ભાજપ અગ્રણીનો અનોખો નિર્ણય: પીએમ મોદીના આહવાનથી પ્રેરિત થઈ ૪૨ વર્ષ પછી ફરી શરૂ કરી સાયકલ સવારી

ઝીલી લીધો સંદેશ ને પેડલ                           ઉપર પગ મૂકિયો,

દેશહિત કાજે ફરી સાયકલ                              તણો રસ્તો લીધો.

​યાદ આવ્યા પાંધીદાદા ને 

સાદગી એમના જીવન તણી,

આજ એ આદર્શ પર 

ચલાલાએ ડગલું ભર્યું.

–“પાંધી સર”

, ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે સર્જાયેલા વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની કિંમતો તેમજ તેની ઉપલબ્ધતા અંગે ભારે ચિંતા વ્યાપી રહી છે. આવી કટોકટીની સ્થિતિમાં દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને ઇંધણની બચત કરવાનો ખાસ સંદેશ આપ્યો છે. વડાપ્રધાનના આ રાષ્ટ્રહિતના આહવાનને ઝીલી લઈને અમરેલી જિલ્લાના ચલાલા ગામના જાગૃત નાગરિક અને ભાજપ અગ્રણી શ્રી પ્રકાશભાઈ કારીયાએ અનોખી દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

​ગુજરાતના પનોતા પુત્રના આ પ્રેરણાદાયી શબ્દોથી પ્રભાવિત થઈને તેમણે તાજેતરમાં જ નવી સાયકલની ખરીદી કરી છે. પ્રકાશભાઈએ દ્રઢ સંકલ્પ કર્યો છે કે તેઓ સ્થાનિક સ્તરે માત્ર સાયકલનો જ ઉપયોગ કરશે. જ્યાં સુધી દેશમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય નહીં થાય, ત્યાં સુધી બહારગામ જવા માટે પણ તેઓ પોતાના અંગત વાહનો (બાઇક કે ફોર-વ્હીલર) બાજુ પર મૂકીને માત્ર સરકારી બસ અને ટ્રેન જેવા જાહેર પરિવહનનો જ આશરો લેશે.

પોતાના આ નિર્ણય અંગે વિગતો આપતા પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે,

​”હું જ્યારે ૧૮ વર્ષનો હતો ત્યારે સાયકલ ચલાવતો હતો. ત્યારબાદ મોટરગાડી વસાવ્યા પછી સાયકલનો ઉપયોગ ક્યારેય કર્યો નહોતો. પરંતુ આજે બરાબર ૪૨ વર્ષના લાંબા ગાળા પછી, જ્યારે દેશ સમક્ષ ઊર્જાનું સંકટ હોય ત્યારે એક પક્ષના સનિષ્ઠ કાર્યકર અને જવાબદાર ભારતીય તરીકે આપણી ફરજ બને છે કે આપણે ઊર્જાનો બચાવ કરવો જોઈએ.”

​હાલમાં પ્રકાશભાઈ જ્યારે ચલાલાની બજારોમાંથી પસાર થાય છે, ત્યારે સ્થાનિક લોકોમાં ભારે આદર અને હર્ષની લાગણી જોવા મળે છે. ગ્રામજનો તેમજ વેપારીઓ દ્વારા ઠેર-ઠેર તેમનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. લોકો તેમને માનભેર પોતાની પાસે બોલાવીને આગ્રહપૂર્વક ચા-પાણી કરાવી રહ્યા છે તથા રાષ્ટ્રસેવાના આ ભગીરથ કાર્ય બદલ હૃદયપૂર્વકના ધન્યવાદ પાઠવી રહ્યા છે.

તેમના આ પ્રશંસનીય પગલાંને બિરદાવતા તેમના મિત્ર શ્રી જયેશ કે. વાળા, બાબા ભાઈ વાળા સહિત અનેક સહયોગીઓએ જણાવ્યું હતું કે, આજના આધુનિક યુગમાં પ્રકાશભાઈએ લીધેલો આ નિર્ણય સાચે જ વંદનીય છે. તેમની આ સભાનતા બદલ અમને ગર્વ છે. અંતમાં પ્રકાશભાઈ કારીયાએ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો અને નાગરિકોને પ્રધાનમંત્રીના સંદેશને સાર્થક કરવા આ મુહિમમાં જોડાવા અપીલ કરી છે.

​સ્વ. હરગોવિંદભાઈ પાંધીના જીવન આદર્શો યાદ આવ્યા

ચલાલાના આ પ્રેરણાદાયી પ્રસંગે *સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધીના પિતાજી અને ચલાલા અકિલાના અખબારી એજન્ટ અને રીપોર્ટર સ્વ. હરગોવિંદભાઈ પાંધીની સ્મૃતિઓ તાજી થઈ હતી. તેમણે પોતાના જીવન પર્યંત સાયકલનો જ ઉપયોગ કરીને સાદું, પ્રમાણિક જીવન અને ઉચ્ચ વિચારોનો આદર્શ સમાજ સામે મૂક્યો હતો.* આજે તેમના વૈકુંઠવાસને ચારેક વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, ચલાલા પંથકના લોકો માને છે કે જો તેમના આવા ઉમદા આદર્શોને લોકો અનુસરે તો દેશની ઘણી સમસ્યાઓ આપોઆપ હલ થઈ શકે છે. આ તકે સમગ્ર પંથકે તેમની સાદગીને શત શત નમન કર્યા હતા.

Related Posts