વૈશ્વિક લડાઈની અસર
સરહદ વટાવી ગઈ,
મોંઘા ડીઝલની આંચ આમ સાવરકુંડલા સુધી આવી ગઈ.
આભમાં વાદળ અને હૈયામાં ચિંતાની લાઈનો છે,
ચોમાસું બેસે તે પહેલાં જ
ખેડૂતની કસોટી આવી ગઈ.
–“પાંધી સર”
આજના સમયમાં મિડલ ક્લાસ પરિવાર સવારે ઉઠે ત્યારે જે સમાચાર તેના આખા મહિનાનું બજેટ હલાવી નાખે છે, તે છે ઈંધણના વધતા ભાવ. સરકારે માત્ર પાંચ જ દિવસના ટૂંકા ગાળામાં જનતાને બીજો મોટો આંચકો આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકી દીધો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને અમેરિકા-ઈરાન યુદ્ધની વૈશ્વિક ઉથલપાથલના દૂરગામી માઠા પરિણામો હવે હજારો કિલોમીટર દૂર ગુજરાતના સાવરકુંડલા શહેરના સામાન્ય નાગરિકો અને ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે.
ઓઈલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલમાં આશરે ૯૦ પૈસા સુધીનો નવો વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હજુ ગત શુક્રવારે જ દેશભરમાં લિટર દીઠ ૩ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો હતો, ત્યાં આ બીજા ફટકાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે.
આ આકરા ભાવવધારા અને મર્યાદિત પુરવઠા વચ્ચે પણ સાવરકુંડલા શહેરમાં પેટ્રોલ-ડીઝલ લેવા માટે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. હાલ ચોમાસું એકદમ ઢૂકડું છે, જેથી ખેડૂત વર્ગ પોતાના ખેતરોમાં પ્રિ-મોન્સૂન કામગીરીમાં જોતરાયો છે. ટ્રેક્ટર અને રોટાવેટર જેવા કૃષિ વાહનો દ્વારા ચોમાસા પહેલાના કાર્યો સમયસર પતાવવા માટે ડીઝલનો પર્યાપ્ત પુરવઠો ખૂબ જ આવશ્યક છે.
સાવરકુંડલાના ગણ્યા-ગાંઠ્યા પેટ્રોલ પંપો પર જ હાલ વેચાણ ચાલુ જોવા મળ્યું હતું, જેના કારણે ત્યાં વહેલી સવારથી જ ટ્રેક્ટરોની લાંબીલચ લાઈનો દ્રશ્યમાન થઈ હતી. મોંઘા ભાવે પણ ખેતી બચાવવા માટે ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. આ આખી સ્થિતિ દર્શાવે છે કે વૈશ્વિક બજારની હલચલ સીધી રીતે ભારતીય ખેતી અને સામાન્ય માણસના ખિસ્સાને કેવી રીતે પ્રભાવિત કરે છે.


















Recent Comments