એક તરફ સંકટ મઢી
આખી ધરા દેખાય છે,
બીજી તરફ આ લોકમાં
કેવી મજા દેખાય છે!
દેશ કાજે જો ના નાવલીનું
લોહી ધબકે મિત્રો ,
તો પછી જોગીદાસના વારસાનું
એ અનુસણ ક્યાં દેખાય છે.?
–“પાંધી સર”
ગતરોજ સાવરકુંડલા શહેરમાં બે તદ્દન વિરોધાભાસી ચિત્રો જોવા મળ્યા હતા, જે સ્થાનિક નાગરિકોની ગંભીરતા અને દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ સામે અનેક સવાલો ઉભા કરે છે.
એક તરફ, ઈરાન-અમેરિકા યુદ્ધની વૈશ્વિક અસરો અને દેશના ઘટતા જતા ફોરેન રિઝર્વ ફંડને કારણે ઈંધણની અછત વર્તાઈ રહી છે. જેના પગલે, સાવરકુંડલાના જગતનો તાત પોતાની કૃષિ વ્યવસ્થા અને ખેતીકામ પડતું મૂકીને ટ્રેક્ટરો સાથે ડીઝલ પુરાવવા માટે પેટ્રોલ પંપો પર કલાકો સુધી ચાતક નજરે લાઈનોમાં ઊભેલો જોવા મળ્યો હતો.
બરાબર એ જ સમયે, આ દ્રશ્યથી તદ્દન વિપરીત, શહેરથી ચાર પાંચ કિલોમીટર દૂર આવેલા સ્પોર્ટ્સ સંકુલ ખાતે રમતપ્રેમીઓ અને દર્શકો (જેમાં મહિલાઓ પણ સામેલ હતી) ખાનગી વાહનો દ્વારા ક્રિકેટ મેચ રમવા અને નિહાળવા માટે મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
જોગીદાસ બાપુના સિદ્ધાંતો અને નાવલીના ખમીર સામે સવાલ?
જ્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ-ડીઝલની બચત કરવા અને દેશના અર્થતંત્રને ટેકો આપવા માટે સોનું ન ખરીદવા જેવી ગંભીર અપીલો કરવામાં આવી રહી હોય, ત્યારે આવા સમયમાં ક્રિકેટ ટુર્નામેન્ટના નામે થતો ઈંધણનો વપરાશ ચર્ચાનો વિષય બન્યો છે. દેશના અનેક નેતાઓ જ્યારે મેટ્રો કે સાયકલનો ઉપયોગ કરીને કરકસરના ઉદાહરણો પૂરા પાડી રહ્યા છે, ત્યારે દેશપ્રેમી ગણાતા સાવરકુંડલા શહેરમાં આ પ્રકારની બેદરકારી કેટલી યોગ્ય?
લોકશાહીમાં દરેક નાગરિકને પોતાના વિચારો વ્યક્ત કરવાની અને કોઈ પણ રમત રમવાની સ્વતંત્રતા છે જ, પરંતુ જ્યારે દેશ આર્થિક કે વૈશ્વિક સંકટમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે જાગૃત નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ શું હોવી જોઈએ તે વિચારવું રહ્યું. સદનસીબે આપણી પાસે દીર્ઘદ્રષ્ટિ ધરાવતા ધારાસભ્ય પણ ઉપલબ્ધ છે, ત્યારે આ ગંભીર મુદ્દે સ્થાનિક વહીવટી તંત્ર અને જનતા બંનેએ આત્મમંથન કરવાની જરૂર છે.ટૂંકમાં જ્યારે રોમ ભડકે બળતું હોય ત્યારે નીરો ફીડલ વગાડે..!!
આ સંદર્ભ હર્ષદભાઈ જોશીએ વિશેષમાં પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે પાંધી સર બિલકુલ સાચા છે.
મને પણ આશ્ચર્ય તો થયું જ હતું કે ધારાસભ્યને કેમ આ ન કરવાનો વિચાર ન આવિયો.
અન્ય સદસ્યો તો હિંમત ન કરે ના કહેવાની.
ભૂલ કરી છે.
હવે ધ્યાન રાખે તો સારું.
અન્યથા આ તો ” નરેન્દ્ર મોદી નો સીધો ઉપહાસ જ ગણાય.”.
અસ્તુ.
(નોંધ: પ્રસ્તુત અહેવાલ કોઈ પૂર્વગ્રહ વગર, પ્રેસ ફ્રીડમના આદર્શોને માન આપીને લોકશાહીના ચોથા સ્તંભ તરીકે માત્ર ચિંતન અર્થે રજૂ કરવામાં આવ્યો છે.)














Recent Comments