અમરેલી

જનતાની સમસ્યાના ત્વરિત નિવારણ માટે સાવરકુંડલામાં અનોખી પહેલ

​અમોને ખુરશી મળ્યા પછી                        

ક્યાં આરામ હોય છે? ,

અમારું તો હવે પળેપળ                       જનતાને નામ હોય છે.

​નથી બદલાતા અમે કેવળ                   

ચૂંટણીના એ વાયદાઓથી,

અમારો તો સવાર-સાંજ બસ                        જનસેવાનો જ જામ હોય છે.

–“પાંધી સર”

સામાન્ય રીતે રાજકીય નેતાઓ અને જનપ્રતિનિધિઓ માત્ર ચૂંટણી સમયે જ મતદારોની વચ્ચે જતા હોવાની લોકવાયકા છે, પરંતુ સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 5 ના સદસ્યોએ આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. વોર્ડ નંબર 5 ના જાગૃત નગરસેવકો શ્રી અશોકભાઈ ખુમાણ તથા શ્રી જીગ્નેશભાઈ ભરાડ દ્વારા પોતાના વિસ્તારના નાગરિકોની સુખાકારી અને પ્રાથમિક સુવિધાઓની સમસ્યાઓ જાણવા માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપની રચના કરવામાં આવી છે.

​નગરપાલિકા દ્વારા આપવામાં આવતી જાહેર સુવિધાઓ જેવી કે પાણી, સફાઈ, સ્ટ્રીટ લાઈટ કે રસ્તા સંદર્ભે સ્થાનિક નાગરિકોને કોઈ પણ ફરિયાદ હોય, તો તેઓ આ ગ્રુપના માધ્યમથી સીધી રજૂઆત કરી શકશે. આ ડિજિટલ પ્લેટફોર્મના મુખ્ય એડમિન તરીકે અશોકભાઈ ખુમાણ અને જીગ્નેશભાઈ ભરાડ પોતે કાર્યરત રહીને લોકોની સમસ્યાઓનું નિવારણ લાવવા કટિબદ્ધ બન્યા છે.

​સરકારી કામકાજો તેની વહીવટી પ્રક્રિયા મુજબ થતાં હોય છે, પરંતુ જો તેમાં લોકજાગૃતિ ભળે તો નોંધનીય પરિવર્તન આવી શકે છે. જાહેર, સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય કાર્યકરો માટે ટેકનોલોજીના માધ્યમથી લોકો સાથે સીધા જોડાવાનો આ એક ખૂબ જ અસરકારક અને આવકારદાયક માર્ગ સાબિત થશે. લોકહિતના આ કાર્યને સમગ્ર સાવરકુંડલા પંથકમાં બિરદાવવામાં આવી રહ્યું છે.

Related Posts