જીવતેજીવ તો તમે કોઈ
સુવિધા ના દઈ શક્યા તંત્ર,
મૃત્યુ પછી તો સ્મશાનમાં
થોડી શરમ તો રાખવી હતી!
જ્યાં આંસુઓ લૂછવાના હતા, ત્યાં કાંટા કેમ ઉગી નીકળ્યા?
આ નગરપાલિકાએ સંવેદનાની આ તો હદ જ વટાવી દીધી!
–“પાંધી સર”
સાવરકુંડલા નગરપાલિકાના વહીવટી તંત્ર સામે સ્મશાનની અત્યંત કથળેલી અને દયનીય હાલત મુદ્દે સ્થાનિક કોર્પોરેટર ધર્મેન્દ્રભાઈ મહેતા અને અશોકભાઈ ખુમાણે ઉગ્ર મોરચો માંડ્યો છે. સ્મશાનમાં પાયાની સુવિધાઓના ઘોર અભાવે અંતિમ સંસ્કાર માટે આવતા દુઃખી પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે કોર્પોરેટરોએ તંત્રને આડે હાથ લીધું છે.
સદસ્યશ્રીઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર તરફથી સ્મશાનની જાળવણી અને અપગ્રેડેશન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમ છતાં, કુંડલા વિભાગના સ્મશાનની મુખ્ય ભટ્ટી લાંબા સમયથી તૂટેલી હાલતમાં પડી છે. અત્યંત દુઃખના સમયે જ્યારે કોઈ પરિવાર પોતાના સ્વજનને ગુમાવીને આવે, ત્યારે તેને સાંત્વના અને સુવિધા આપવાને બદલે પાલિકા તંત્ર એક ભટ્ટીનું રિપેરિંગ પણ કરાવી શકતું નથી, જે અત્યંત શરમજનક બાબત છે.
શહેરી વિસ્તારોમાં નવા બાકડા મૂકવા માટે પાલિકાએ ફટાફટ ટેન્ડરો બહાર પાડી દીધા, પરંતુ સ્મશાનમાં મોટાભાગના બાકડા તૂટી ગયા હોવા છતાં ત્યાં કેમ નવા બાકડા ન પહોંચાડાયા? તેવો વેધક સવાલ ઉઠાવતા ધર્મેન્દ્ર મહેતાએ જણાવ્યું કે, “બીજું કાઈ ન કરો તો ચાલશે, પણ સ્મશાનમાં સફાઈ અને પાયાની સુવિધાઓ તો પુરી પાડો!”
હાલ સ્મશાનની સ્થિતિ જોતાં ત્યાં પવિત્રતાને બદલે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ચારેબાજુ બોરડી, બાવળ અને કાંટાળું ઘાસ ઉગી નીકળ્યું છે. સૌથી વધુ આઘાતજનક સ્થિતિ બાળકોના સ્મશાનની છે, જ્યાં ફેન્સિંગ તૂટી ગઈ છે અને અંદર ગંદકી તેમજ ઘાસના ગંજ ખડકાયેલા છે. સ્મશાનનો મેઈન ગેટ અને દીવાલ તોડી નાખ્યા બાદ તેનું રિપેરિંગ પણ કરવામાં આવ્યું નથી.
અંધારપટ અને ખંડેર સ્નાનઘાટ
સ્મશાનમાં રાત્રિના સમયે અંતિમ સંસ્કાર માટે આવતા લોકો માટે અંધારામાં ઠેબા ખાવાની નોબત આવે છે. જો કે સ્ટ્રીટલાઈટો કાર્યરત છે, પરંતુ લાઈટોની સંખ્યા ઓછી હોવાથી ત્યાં તાકીદે નવી લાઈટો નાખીને વધારો કરવો પડે તેમ છે. આ ઉપરાંત, અંતિમ વિધિ પછી નાહવા માટેનો સ્નાનઘાટ (બાથરૂમ) બિલકુલ ખંડેર હાલતમાં ફેરવાઈ ગયો છે, જેમાં લાઈટ કે પાણીની કોઈ યોગ્ય સુવિધા જ નથી.
કાગળ પર મંજૂરી, વાસ્તવિકતા શૂન્ય: ચોમાસામાં કોણ જવાબદાર?
છેલ્લા એક વર્ષથી સ્મશાનમાં લાકડા અને છાણા રાખવા માટેનો ખાસ હોલ તેમજ નવા બાથરૂમ બનાવવાનું કામ મંજૂર થયેલું છે, તેમ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી અને કામગીરી શરૂ કરાતી નથી. હાલમાં અંતિમ સંસ્કાર માટેના લાકડા-છાણા ખુલ્લામાં ધૂળ અને કાંટાળા ઝાંખરામાં પડી રહ્યા છે. કોર્પોરેટરોએ સવાલ ઉઠાવ્યો છે કે, હવે ચોમાસું નજીક છે ત્યારે જો આ લાકડા અને છાણા પલળી જશે, તો તેની જવાબદારી કોણ લેશે?
આંદોલન અને ઉપવાસની ચીમકી
નગરપાલિકાના સત્તાધીશોની આવી સંવેદનહીનતા સામે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે. પાલિકા સદસ્યશ્રીઓએ તંત્રને કડક શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે મુખ્ય ભટ્ટીનું રિપેરિંગ, સ્મશાનની સફાઈ કામગીરી અને વર્ષોથી મંજૂર થયેલા કામો યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જનતાને સાથે રાખીને પાલિકા સામે ઉગ્ર આંદોલન કરીને ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.
















Recent Comments