અમરેલી

સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારાશહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન 

સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા તા. 13/06/2026 ના રોજ શહેરમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી ભવ્ય સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં આર્યભટ્ટ પ્રાથમિક શાળા, કન્યા શાળા નં. 1, કન્યા શાળા નં. 2, પોલીસ લાઈન પ્રાથમિક શાળા, માણેકપરા પ્રાથમિક શાળા, સુખનાથ પરા પ્રાથમિક શાળા તથા મ્યુનિસિપલ ગર્લ્સ પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત અમરેલી નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રેલીનો પ્રારંભ અમરેલી નગરપાલિકા કચેરી ખાતેથી કરવામાં આવ્યો હતો. રેલી દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, પર્યાવરણ સંરક્ષણ અને કચરાના યોગ્ય નિકાલ અંગેના વિવિધ સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો પર પસાર થયેલી આ રેલી દ્વારા નાગરિકોમાં સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્તિ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તથા સ્વચ્છ અને હરિત શહેરના નિર્માણમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

આ સ્વચ્છતા રેલી સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાનના ઉદ્દેશોને જનજન સુધી પહોંચાડવામાં સફળ રહી હતી અને શહેરના વિદ્યાર્થીઓ, શિક્ષકો, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક સંદેશ ફેલાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.

ચીફ ઓફિસર

Related Posts