અમરેલી

રાજુલા–જાફરાબાદ વિસ્તારમાં પવનચક્કી, સોલાર પ્રોજેક્ટો અને વીજ લાઈન કામોમાં અનિયમિતતાઓની ઉચ્ચસ્તરીય તપાસની માંગ

અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈ વરુ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને વિગતવાર રજૂઆત કરીને રાજુલા–જાફરાબાદ વિસ્તાર ખાતે ચાલી રહેલા પવનચક્કી, સોલાર પ્રોજેક્ટો અને વીજ સપ્લાય લાઈનોના કામોમાં થતી હોવાની ફરિયાદો અંગે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે ખેડૂતોની સંમતિ વિના તેમની જમીનમાં વીજ સપ્લાયના પોલો ઉભા કરવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો છે. ખેડૂતોને યોગ્ય અને બજારભાવ મુજબનું વળતર મળતું નથી તેમજ જમીન માલિકોને પૂરતી માહિતી આપ્યા વિના કામગીરી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
તેમજ ગૌચર જમીન, સરકારી ખરાબા, ચેકડેમ, બંધારા અને રક્ષિત જંગલ વિસ્તારોમાં વીજ પોલો તથા સંબંધિત માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાની ફરિયાદોની પણ નિષ્પક્ષ તપાસ કરાવવા માંગ કરવામાં આવી છે. નેશનલ હાઈવે નં. 51 અને સ્ટેટ હાઈવે નં. 107 નજીક આવેલા કેટલાક વિસ્તારોમાં નિયમોનું પાલન થયું છે કે નહીં તેની પણ તપાસ જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રજુઆતમાં વધુમાં જણાવાયું છે કે પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટોના કામ દરમિયાન ભારે વાહનો અને મશીનરીની અવરજવરને કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં જવાના પરંપરાગત રસ્તાઓને નુકસાન થયું છે. ચોમાસાની ઋતુ શરૂ થવાના કારણે ખેડૂતોને ખેતી સંબંધિત કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. નુકસાન પામેલા રસ્તાઓનું તાત્કાલિક સમારકામ અને પુનઃનિર્માણ કરાવવા માંગ કરવામાં આવી છે.
શ્રી ટીકુભાઈ વરુએ રજૂઆતમાં રાજુલા–જાફરાબાદ તથા દરિયાકાંઠાના વિસ્તારોમાં વધી રહેલા પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટો, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તથા કુદરતી વસવાટમાં થતા ફેરફારોને કારણે એશિયાટિક સિંહોના રહેઠાણ અને અવરજવર પર અસર થતી હોવાની સ્થાનિકોમાં વ્યાપક ચિંતા હોવાનું પણ જણાવ્યું છે. છેલ્લા કેટલાક સમયગાળામાં ભાકોદર, કોવાયા, ખાલસા, કંથારિયા, હેમાળ સહિતના વિસ્તારોમાં માનવ–સિંહ સંઘર્ષની ઘટનાઓ સામે આવી હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું છે કે ધારી તાલુકાના ભાડેર ગામ ખાતે પર્યાવરણીય સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને સોલાર પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો હતો, ત્યારે રાજુલા–જાફરાબાદ વિસ્તારના નવા પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટોની પણ સમાન ધોરણે સમીક્ષા થવી જોઈએ.
રજુઆતમાં ગ્રામ પંચાયતની જરૂરી NOC વિના મંજૂરી આપવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવાની માંગ સાથે વન વિભાગ, પર્યાવરણ વિભાગ અને અન્ય સંબંધિત વિભાગો દ્વારા સંયુક્ત અભ્યાસ કરીને સિંહોના કુદરતી વસવાટ, અવરજવર માર્ગો (Corridors) અને વિકાસકાર્યોની અસરો અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવાની માંગ પણ કરવામાં આવી છે.
આ ઉપરાંત, ખેડૂતોને યોગ્ય વળતર, જમીન અને જાહેર સંપત્તિના કાયદેસર ઉપયોગની ચકાસણી, ગ્રામ્ય માર્ગોના પુનઃનિર્માણ અને સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ, કંપનીઓ તથા અન્ય સંબંધિત પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
શ્રી ટીકુભાઈ વરુએ જણાવ્યું કે ખેડૂતોના હિતો, ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, પર્યાવરણના સંરક્ષણ અને એશિયાટિક સિંહોના કુદરતી વસવાટના રક્ષણ વચ્ચે સંતુલન જળવાય તે માટે રાજ્ય સરકાર તાત્કાલિક અને અસરકારક પગલાં ભરે તેવી અપેક્ષા છે. મુખ્યમંત્રીશ્રીને
અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ટીકુભાઈ વરૂ એ રજુઆત કરી

Related Posts